December 22, 2024

વિરપુરમાં ઉજવાશે 225મી જલારામ જયંતી, સાયકલ યાત્રા કરી પહોંચ્યા સુરતના યુવાનો

રાજકોટ: રાજકોટના વિશ્વસ્તરે જાણીતા બાપા જલારામના યાત્રાધામ વીરપુર ખાતે આવતીકાલે જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જલારામ જ્યંતીને લઈને સમગ્ર વીરપુર જલારામ મય બની ગયું છે. જલારામ જયંતીને લઈને સુરતથી 45 યુવાનો ખાસ સાયકલ યાત્રા કરીને વિરપુર પહોંચ્યા છે.

મહત્વનું છે કે, આવતીકાલે વીરપુર ખાતે 225મી જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવશે. જલારામ જયંતીને લઈને સુરતના ઉન ગામેથી 45 જેટલા યુવાનો 500 કિલોમીટર સાયકલમાં અંતર કાપી વીરપુર આવી પહોચ્યાં છે. આ યુવાનો દરરોજ 150 કિલોમીટરનું અંતર સાયકલ પર કાપ્યું છે.

દર વર્ષે આ યુવાનો સુરતથી વીરપુર જલારામ જ્યંતીના દિવસે બાપાના દર્શન કરવા સાયકલ ઉપર આવે છે. વીરપુરમાં આવતીકાલે યોજાનાર જલારામ બાપાની 225મી જન્મ જ્યંતી નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 225મી જલારામ બાપાની જન્મજ્યંતી નિમિતે 225 કિલો ગુંદી અને ગાંઠિયાનું વિતરણ કરવામાં આવશે. વીરપુરમાં આજથી જ બાપાના ભક્તો મોટી સંખ્યામાં આવી પહોચ્યાં છે.