નરોડા દેહગામ રોડ પર મોડી થયેલા અકસ્માતમાં 2 યુવકોના મોત, પોલીસે શરૂ કરી તપાસ
મિહિર સોની, અમદાવાદ: શહેરમાં તેજ રફતારે વધુ બે નિર્દોષ યુવકો ના જીવ લીધા છે. નરોડા દેહગામ રોડ પર ગત મોડી રાત્રે ક્રેટા કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. નશાની હાલતમાં બેફામ ગાડી ચલાવીને કારચાલક ડિવાઇડર કૂદી રોંગ સાઈડ પર જતો રહ્યો હતો અને સામેથી એક્ટિવા પર આવી રહેલા બે યુવકો ને અડફેટે લીધા હતા. જેમાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યાં છે. સમગ્ર ઘટનાની જાણ થતા કણભા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ગંભીર ઇજાઓ પહોંચી
શહેરમાં દિવસેને દિવસે તેજ રફતાર નો આતંક વધતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બનેલા અકસ્માતના મોટાભાગના બનાવોમાં નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવો વધુ એક બનાવ રવિવારની મોડી રાત્રે બન્યો છે. નવા નરોડા ગેલેક્સી બંગ્લોઝ માં રહેતા અને ખેતી કામ કરતા મિતેશ ઉર્ફે ગોપાલ પટેલ તેમની ક્રેટા કાર લઈને નરોડા દેહગામ રોડ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન શાંતમ ફાર્મ નજીક પહોંચતા અચાનક તેમની સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર કૂદી સામેની તરફ જતી રહી હતી. જેમાં નરોડા તરફથી એકટીવા પર આવી રહેલા બે યુવકો ને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં બંને યુવકોને માથાના ભાગે તેમજ અન્ય જગ્યાએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને કારણે બંને યુવકોના ધટના સ્થળે મૃત્યુ નીપજ્યાં છે.
આ પણ વાંચો: ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું, ગુના વધુ ડિટેક્ટ થયા: વડોદરા પોલીસ કમિશનર
આરોપીની ધરપકડ કરી
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બંને યુવકો દેહગામ પાસે આવેલ વાસણા રાઠોડ ગામના રહેવાસી છે. બંને નોકરી હતી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ક્રેટા કાર એ તેમના પર ગાડી ચડાવી દેતા આ બનાવ બન્યો છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતા આસપાસમાંથી સ્થાનિક રહીશો પણ પહોંચ્યા હતા. અને કાર ચાલક મિતેશ પટેલ ને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો. જોકે લોકો દ્વારા જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તે નશા ની હાલતમાં હોવાનું પણ સ્વીકાર્યું હતું. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેણે પોતાના ખેતર પર જ દારૂનું સેવન કર્યું હતું. બાદમાં તે કારમાં ઘરે જવા માટે નીકળ્યો હતો. તો બીજી તરફ ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં અને આરોપીને માર મારતા તેણે પણ ટોળા વિરુદ્ધમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે.