સુરતમાં ઇ-બાઇકની ફેક્ટરીમાં ભાગીદારીની લાલચમાં 2.97 કરોડની ઠગાઇ
અમિત રૂપાપરા, સુરત: ડાયમંડ સિટી સુરતમાં વધુ એક ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વ્યક્તિને ઈલેક્ટ્રીક બાઈકની ફેક્ટરીમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી તેની પાસેથી 2 કરોડ 97 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરનાર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પકડેલા આરોપીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે તેને ફરિયાદીના દીકરાને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 2 કરોડ 97 લાખ લીધા હતા. ત્યારબાદ કંપનીમાં કોઈ પણ પ્રકારનો હોદ્દો ફરિયાદીના પુત્રને આપ્યો ન હતો. ફક્ત ડિરેક્ટર કાગળ પર જ દર્શાવ્યું હતું અને ત્યારબાદ કંપની પણ બંધ કરી દીધી હતી.
સુરતના રાજેશકુમાર દ્વારા મનીષ ચુગ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તેમને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપી મનીષ ચૂગ તેમના મકાનમાં ભાડે રહેતો હતો. ભાડુત અને મકાન માલિક તરીકે ફરિયાદી અને મનીષની ઓળખ હતી. આરોપી મનીષ અને તેના પિતા દિલ્હી ખાતે ઓપોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવતા હતા. તેથી આરોપી દ્વારા ફરિયાદી રાજેશ કુમારને સુરતમાં ઈ બાઈક નો પ્લાન્ટ શરૂ કરવાનો જણાવવામાં આવ્યું હતું અને ફરિયાદીના દીકરાને આ પ્લાન્ટમાં ભાગીદાર બનાવી રોકાણ ઉપર 8% વ્યાજ આપવાની લાલચ આપવામાં આવી હતી.
રાજેશકુમાર મનીષની વાતમાં આવી ગયા હતા અને પોતાના પુત્રને ડિરેક્ટર બનાવવા માટે મનીષે કહેવા અનુસાર 2 કરોડ 97 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ આરોપી દ્વારા આરોપી મનીષ દ્વારા સુરતમાં ઇલેક્ટ્રીક બાઈકનો પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ પ્લાન્ટમાં ફરિયાદીના દીકરા દીક્ષાંતને કોઈપણ પ્રકારનું પદ આપવામાં આવ્યું ન હતું અગાઉ થયેલી ડીલ અનુસાર દીક્ષાંતને કંપનીમાં ડિરેક્ટર પદ આપવાનું હતું પરંતુ આરોપી દ્વારા ફરિયાદીના દીકરાને કોઈપણ પ્રકારનું કંપનીમાં પદ કે હોદ્દો આપવામાં આવ્યો ન હતો અને ત્યારબાદ ફરિયાદી રાજેશકુમારને પોતે છેતરાયા હોવાની જાણ થતા તેમને આ બાબતે મનીષ સામે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે તપાસ ઇકોનોમિક સેલને સોંપવામાં આવી હતી અને ઇકોસેલ દ્વારા 2 કરોડ 97 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી મનીષ ચુગની ધરપકડ કરવામાં આવી છે.