December 19, 2024

સાયબર ક્રાઇમનો ભાગ બનેલ મધ્યમવર્ગીય પરિવારોના 2.14 લાખ બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા

ગાંધીનગર: ગુજરાત પોલીસના સાયબર સેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચના મુજબ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા એક મહત્વની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત સાયબર સેલ દ્વારા 2,14,622 બેંક ખાતાંઓ સફળતાપૂર્વક અનફ્રીઝ કરવામાં આવ્યા છે.

આ નિર્ણયથી જે લોકો સાયબર ફ્રોડ કરતા ભેજાબાજોની યુકિતમાં ફસાઈને ડિજીટલ પેમેન્ટ સ્વીકારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની ટ્રેપમાં ફસાઈ ગયા હતા તેવા લોકોને રાહત મળશે. આ નિર્ણાયક પગલું નાગરિકોના નાણાકીય સુરક્ષાની ખાતરી અને અસરગ્રસ્ત લોકોને ન્યાય અપાવવાની દ્રઢ વચનબદ્ધતા દર્શાવે છે.

ગુજરાત પોલીસની ડેડીકેટેડ સાયબર સેલ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને શોધી કાઢવા અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો માટે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. એટલું જ નહિ, રાજ્યના પ્રત્યેક નાગરિક માટે ડિજિટલ સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા માટે સાયબર સેલ સક્રિય છે.

ગુજરાત પોલીસે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. નવી પોલિસી મુજબ બેંક ખાતાની કુલ રકમને બદલે હવે છેતરપિંડી થઈ હોય તેટલા જ નાણાં ફ્રીઝ કરવામાં આવશે. એટલે કે હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરાશે.