January 23, 2025

16 વર્ષ 9 મહિના અને 5 દિવસની જોઈ રાહ… ટીમ ઈન્ડિયાની જીત પર દિલ્હી પોલીસનું ટ્વિટ વાયરલ

IND vs SA T20 World Cup Delhi Police: ભારતે 16 વર્ષના લાંબા સમય બાદ ફરી એકવાર T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડ કપમાં શાનદાર જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. શનિવારે રાત્રે ટીમ ઈન્ડિયાની જીતની સાથે જ ફટાકડા ફૂટ્યા અને ઢોલ વગાડવાનું શરૂ થઈ ગયું.

દિલ્હી પોલીસ પણ ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરી રહી છે. જેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા છે. અભિનંદન સંદેશની સાથે દિલ્હી પોલીસે લોકોને એક મોટો સંદેશ પણ આપ્યો છે. દિલ્હી પોલીસે પોતાના સંદેશમાં લોકોને અપીલ કરી છે કે, જેમણે T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે જે રીતે સંયમ રાખ્યો હતો તે જ રીતે તેઓએ રસ્તાઓ પર પણ સંયમ રાખવો જોઈએ.

આ પણ વાંચો: Team Indiaએ રોહિતની કેપ્ટનશીપમાં બનાવ્યો અદ્ભુત રેકોર્ડ

દિલ્હી પોલીસના ટ્વીટમાં શું છે?

દિલ્હી પોલીસે ટ્વીટ કર્યું, “અમે બધાએ 16 વર્ષ, 9 મહિના, 5 દિવસ (52,70,40,000 સેકન્ડ) ભારતને વધુ એક T20 વર્લ્ડ કપ જીતવા માટે રાહ જોઈ. ટ્રાફિક સિગ્નલ પર પણ થોડી ધીરજ રાખવી જોઈએ. સારી ક્ષણોની રાહ જોવી યોગ્ય છે. ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન. દિલ્હી પોલીસ આ પહેલા પણ સોશિયલ મીડિયા પર આવા અભિયાન ચલાવી રહી છે. જેમાં તે ક્રિકેટ દ્વારા સર્જનાત્મક રીતે લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડે છે.

T-20 વર્લ્ડ કપમાં જીત વધુ મહત્વની છે કારણ કે ભારતે 11 વર્ષની લાંબી રાહ બાદ ICC ટ્રોફી જીતી છે. ભારતે છેલ્લે 2013માં ઈંગ્લેન્ડમાં યોજાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે માત્ર છ મહિના પહેલા જ ભારત તેની જ ધરતી પર ODI વર્લ્ડ કપની ફાઈનલ હારી ગયું હતું. ટી-20 વર્લ્ડ કપમાં જીત સાથે આ હારનું દર્દ થોડું ઓછું થયું છે.