એક જેવા કપડાં પહેરી 15 વખત ગઈ દુબઈ, આ રીતે ઝડપાઈ રાન્યા રાવ

Ranya Rao: કન્નડ અભિનેત્રી રાન્યા રાવ સોનાની દાણચોરીને લઈને ચર્ચામાં છે. બેંગલુરુ એરપોર્ટ પર તેની પાસેથી 12.56 કરોડ રૂપિયાની કિંમતના 14.2 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યુ હતું. રાન્યા રાવ ભારતીય પોલીસ સેવા (IPS) ના વરિષ્ઠ અધિકારી રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. રામચંદ્ર રાવ હાલમાં કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે.
વિદેશી સોનું જપ્ત
રાન્યા પાસેથી કુલ 17.29 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં ૪.૭૩ કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. ડીઆરઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 14.2 કિલો સોનાનો આ જથ્થો તાજેતરના સમયમાં બેંગલુરુ એરપોર્ટ પર જપ્ત કરાયેલી સૌથી મોટી જપ્તીઓમાંની એક છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડીઆરઆઈએ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મુસાફર પાસેથી 12.56 કરોડ રૂપિયાના વિદેશી સોનું જપ્ત કર્યું હતું.
“મળતી માહિતીના આધારે, DRI અધિકારીઓએ 33 વર્ષીય ભારતીય મહિલા મુસાફરને અટકાવી જે 3 માર્ચે અમીરાતની ફ્લાઇટ દ્વારા દુબઈથી બેંગલુરુ આવી હતી,” નિવેદનમાં જણાવાયું છે. તપાસ કરતાં તેની પાસેથી 14.2 કિલો વજનના સોનાના બિસ્કીટ મળી આવ્યા જે છુપાવવામાં આવ્યા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ કાર્યવાહી બાદ, DRI અધિકારીઓએ બેંગલુરુના લવેલ રોડ ખાતેના તેમના (કન્નડ અભિનેત્રી) નિવાસસ્થાનની તપાસ કરી જ્યાં તેઓ તેમના પતિ સાથે રહે છે. સર્ચ દરમિયાન 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે રાન્યા 15 દિવસમાં 4 વખત દુબઈ ગઈ હતી. ત્યારબાદ અધિકારીઓએ તેના પરત ફરવા પર ઓપરેશન કરવું પડ્યું હતું. આ ઉપરાંત જ્યારે પણ તે દુબઈ જતી ત્યારે દર વખતે તે એક જ જેવા કપડાં પહેરેલી જોવા મળતી.
આ પણ વાંચો: કાર્યકરો પર ખૂબ ગર્વ છે… તેલંગાણા MLC ચૂંટણીમાં ભાજપની જીત પર PM મોદીએ શું કહ્યું?
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અભિનેત્રીએ કસ્ટમ્સ ચેકથી બચવા માટે તેના સંબંધોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હશે. અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું તે એકલી કામ કરતી હતી કે દુબઈ અને ભારત વચ્ચે કાર્યરત મોટા દાણચોરી નેટવર્કનો ભાગ હતી.
દરેક ટ્રીપમાં 12-13 લાખની કમાણી
રાન્યાએ ગયા વર્ષમાં કુલ 30 વખત દુબઈની મુલાકાત લીધી. તે દરેક યાત્રામાં અનેક કિલો સોનું લઈને આવતી. એક અહેવાલ મુજબ, રાન્યા રાવને દાણચોરી કરેલા સોના માટે પ્રતિ કિલોગ્રામ 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવતા હતા. દરેક ટ્રીપમાં તેણે લગભગ 12-13 લાખ રૂપિયા કમાયા હોવાનું કહેવાય છે. રાવ તેની મુસાફરી દરમિયાન દર વખતે જેકેટ અને બેલ્ટનો ઉપયોગ કરતા હતા.