November 14, 2024

ઈન્ડોનેશિયા: સોનાની ખાણમાં ખોદકામ દરમિયાન ભૂસ્ખલન, 15 લોકોના મોત

Indonesia landslide: ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માત સોનાની ગેરકાયદે ખાણમાં થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ગેરકાયદેસર રીતે સોનાનું ખાણકામ કરતા લોકો ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા. ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. ડઝનેક લોકો ગુમ થયાના અહેવાલ છે. અધિકારીઓએ શુક્રવારે આ દુર્ઘટનાની માહિતી આપી છે. હાલ વહીવટીતંત્ર દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ટીમ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે.

લોકો કાટમાળ નીચે દટાયા
સ્થાનિક ડિઝાસ્ટર એજન્સી કાર્યાલયના વડા એરવાન એફેન્ડોઈએ આ દુર્ઘટના અંગે માહિતી આપી છે. એરવાને જણાવ્યું હતું કે પશ્ચિમ સુમાત્રા પ્રાંતના દૂરના સોલોક જિલ્લામાં સોના માટે ખોદકામ કરી રહેલા લોકો ભૂસ્ખલનને કારણે આસપાસના પર્વતીય વિસ્તારમાંથી માટી અને અન્ય કાટમાળ નીચે દટાઈ ગયા હતા. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા 25 લોકો હજુ પણ દટાયેલા છે. બચાવકર્મીઓએ ત્રણ લોકોને જીવતા બહાર કાઢ્યા છે. રાત્રિ અને બચાવ કાર્ય ચાલુ છે.

આ પણ વાંચો: અજાણ્યા લોકોને ચોર સમજી માર મારવાના કિસ્સાઓ વધતાં પોલીસ એક્શનમાં

અગાઉ પણ અકસ્માતો થયા છે
ઈન્ડોનેશિયામાં આ પ્રકારનો અકસ્માત પહેલીવાર નથી થયો. આ પહેલા આ વર્ષના જુલાઈ મહિનામાં પણ એક હ્રદય હચમચાવી દેનારો અકસ્માત થયો હતો. જુલાઈમાં સુલાવેસી ટાપુ પરની એક ગેરકાયદેસર સોનાની ખાણ વરસાદને કારણે તૂટી પડી હતી. આ અકસ્માતમાં 12થી વધુ લોકોના મોત થયા છે. સોનાની ખાણમાં 100 થી વધુ લોકો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.