ઇડરમાં ભર બપોરે 15 લાખ રોકડની ચીલઝડપ, પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી

સાબરકાંઠા: સાબરકાંઠાના ઇડરમાં આજે ભર બપોરે 15 લાખ જેટલી ચીલઝડપ થયાના સમાચારના પગલે સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો હતો. ઈડર પોલીસ મથકેથી માત્ર 100 મીટરની અંતરે સત્યમ ચોકડી પાસે એયું સ્મોલ ફાઇનાન્સ તેમજ પંજાબ નેશનલ બેન્કમાં કેશ લઈ નીકળેલ યુવાનનો પીછો કરી બાઈક પર આવેલ બે અજાણ્યા ઈસમો 15 લાખની ચીલઝડપ કરી પ્લાયન થયા છે. જોકે પોલીસે આ તબક્કે સીસીટીવી સહિત ટેકનિકલ સર્વેલન્સ સહિત ચાર જેટલી ટીમો બનાવી આરોપી સુધી પહોંચવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે.

સાબરકાંઠાના ઇડરમાં બપોર બાદ ખાનગી સર્વિસમાં કામ કરતા વિક્રમ ઝાલા નામના યુવકે રૂપિયા 20 લાખની રકમ વિવિધ બેન્કોમાં જમા કરાવવા માટે નીકળ્યો હતો. જેમાંથી પાંચ લાખ રૂપિયા ખાનગી બેંકમાં જમા કરાવ્યા બાદ અન્ય ખાનગી બેન્ક એ.યુ ફાઈનાન્સ બેંકમાં પૈસા જમા કરાવી પરત ફરતી વખતે રૂપિયા 15 લાખથી વધુની રકમનો થેલો લઈને રિક્ષામાં બેસવા જતા અજાણ્યા બે બાઈક ચાલકોએ પૈસા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભરાટ સર્જાયો હતો.

જોકે પોલીસે આ મામલે તાત્કાલિક ધોરણે સમગ્ર શહેરમાં એસ.ઓ.જી, એલ.સી.બી સહિત સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ટેકનીકલ સર્વિલન્સ સહિત વિવિધ ટેકનીક અંતર્ગત ચાર જેટલી ટીમો કાર્યરત કરી છે. સાથોસાથ ખાનગી બેંકોના સીસીટીવી ફૂટેજ પણ કામે લગાડ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસે આગામી 24 કલાકમાં ગુનો ઉકેલાઈ જાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.