January 15, 2025

SURAT: ઓનલાઇન યંત્રના નામે ચાલતું હતું જુગારધામ, 14 જુગારી ઝડપાયા

અમિત રૂપાપરા, સુરત: સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઓનલાઈન યંત્રના નામે ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા જુગારધામ પર દરોડો પાડીને એક લાખ કરતાં વધુની રોકડ રકમ સાથે 14 જુગારીને ઝડપી પાડવામાં આવ્યા છે. ઓનલાઈન સોફ્ટવેરની મદદથી યંત્ર વિજેતાને એકના બદલામાં નવ ગણી રકમ ચૂકવીને આ જુગાર રમાડવામાં આવતો હતો. દરોડામાં પોલીસે મોબાઈલ, ટીવી, રીમોટ, કીબોડ, માઉસ, મીની કીબોડ, બારકોડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

સુરતની કાપોદ્રા પોલીસને અલગ અલગ યંત્રની આડમાં ચાલતા જુગાર ધામનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે ગાયત્રી સોસાયટીમાં આવેલ બિલ્ડીંગ નંબર 114માં ચાલતી એક દુકાનમાં દરોડો પાડ્યો હતો અને તે સમયે આ દુકાનમાં ઓનલાઇન સોફ્ટવેરની મદદથી યંત્ર વિજેતાઓને એકના બદલામાં નવ ગણા રૂપિયા આપવાનો એક જુગાર ચાલતો હતો.

કાપોદ્રા પોલીસ દ્વારા આ જુગાર ધામ પર દરોડો કરીને 14 જુગારીની ધરપકડ કરવામાં આવી છે જેમાં અમિત ભટ્ટ કે જે ઓનેસ્ટ 2 ઓનલાઇન માર્કેટિંગ એજન્સીના નામથી જુગારધામ ચલાવતા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી કુલદીપસિંહ ગોહિલ તેમજ ઓનેસ્ટ ઓનલાઈન માર્કેટિંગ એજન્સીના માધ્યમથી આ જુગારધામ ચલાવનાર અમિત ભટ્ટ ભાડાની દુકાનમાં ઓપરેટરો રાખીને પોતાના આર્થિક લાભ માટે આર્થિક યંત્રના નામે દર પાંચ મિનિટે ઓનલાઈન સોફ્ટવેર દ્વારા યંત્ર વિજેતા વ્યક્તિને એકના બદલામાં નવ ગણી રકમ ચૂકવીને જુગાર રમાડતા હતા.

આ પણ વાંચો: ખટોદરા પોલીસે 3 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી

આ ઉપરાંત વિજેતા સિવાયના ગ્રાહકો પાસેથી તેઓ રોકડ રકમ મેળવીને નસીબ આધારિતનો જુગારનો અખાડો ચલાવતા હતા. પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડો પાડીને 1,04,809 રૂપિયા રોકડા 15 મોબાઇલ, ટીવી, રીમોટ, કીબોર્ડ, માઉસ, મીની CPU, બારકોડ સ્કેનર, લાઈટ પ્રિન્ટર, રાઉટર તેમજ અલગ અલગ યંત્રના બારકોડ તેમજ ચિઠ્ઠીઓ સહિત કુલ 2,26,657 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.

મહત્ત્વની વાત તો એ છે કે હવે ટેકનોલોજીના સમયમાં જુગાર રમવાની રીત પણ બદલાય છે. હવે તીન પત્તીનો કે પત્તાનો જુગાર નહીં પરંતુ ઓનલાઇન અલગ અલગ ગેમના માધ્યમથી કે પછી આ પ્રકારના યંત્રોના માધ્યમથી જુગાર રમાડવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અગાઉ પણ કાપોદ્રા પોલીસ દ્વારા એક દુકાનમાં દરોડો પાડી આ જ પ્રકારે યંત્રના માધ્યમથી જુગાર રમાડતા ઇસમોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.