સુરતમાં ઝેરી દવાની અસરના કારણે 118 રત્નકલાકારો સારવાર હેઠળ, પ્રફુલ પાનસેરિયાએ દર્દીઓની મુલાકાત લીધી

અમિત રૂપાપરા, સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં બિલ્ડિંગમાં અનભ જેમ્સમાં 118 રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાના કારણે તેમને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ કારખાનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારખાનામાં કોઈ અસામાજિક તત્વ દ્વારા સેલફોસ નામની ઝેરી દવા પાણીના વોટર કુલરમાં નાખી દેવામાં આવી હતી અને રત્ન કલાકારો દ્વારા આ પાણી પીવામાં આવ્યું હતું. હાલ તો આ રત્ન કલાકારોની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિલેલિયમ બિલ્ડીંગના ચોથા મળે અનભ જેમ્સ નામના ડાયમંડ કારખાનામાં કામ કરતા 118 રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાના કારણે બપોર બાદ તેમને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

કારખાનામાં કામ કરતાં કર્મચારીઓના કહેવા અનુસાર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કારખાનામાં રહેલા વોટર કુલરમાં સેલફોસ નામની અનાજમાં નાખવાની ઝેરી દવા નાખવામાં આવી હતી. તો બીજી તરફ કેટલાક રત્ન કલાકારોએ આ પાણી પીધું હોવાના કારણે તેમને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. મોટાભાગના રત્ન કલાકારોને સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને 10થી 15 જેટલા રત્નકલાકારોને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી કાપોદ્રા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તો બીજી તરફ એસીપી અને ડીસીપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. આ ઉપરાંત પોલીસને કારખાનામાંથી સેલફોસ નામની અનાજમાં નાખવાના પાવડરની પડીકી મળી આવી હતી. આ ઉપરાંત પોલીસે તાત્કાલિક અસર થી ફોરેન્સિકની ટીમને પણ ઘટના સ્થળે બોલાવીને તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાને લઈને ડીસીપી આલોક કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અનભ જેમ્સ નામના કારખાનામાં કામ કરતા રત્ન કલાકારો જે વોટર કુલરમાંથી પાણી પીતા હતા તે વોટર કુલરની અંદર સેલફોસ નામની ઝેરી દવા ભેળવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. જોકે આ સેલફોસ દવાના પેકેટમાં બે પ્રકારના પાવડર હોય છે. જેમાંથી પેકેટ તોડનાર વ્યક્તિ દ્વારા એક પાવડર પાણીમાં ભેળવવામાં આવ્યો હોવાની આશંકા છે અને બીજું પેકેટ પેકેટમાંથી સલામત મળ્યું છે આ ઉપરાંત કારખાનામાં કામ કરતા લોકોને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

આ ઘટનાને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા હોસ્પિટલમાં એડમિટ રત્ન કલાકારોની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારબાદ તેમને જણાવ્યું હતું કે, 118 જેટલા રત્ન કલાકારો સારવાર હેઠળ છે. આ હિન કૃત્ય કરનાર વ્યક્તિને પોલીસ દ્વારા છોડવામાં આવશે નહીં. આ ઘટનાને લઈને પ્રફુલ પાનસરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘટનામાં દુઃખની વાત એ છે કે આ હિન કૃત્ય કરીને કોઈ વ્યક્તિએ 118 લોકોના જીવને જોખમમાં મૂક્યા છે પરંતુ સુખદ વાત એ છે કે આ ઘટનામાં કોઈને કંઈ થયું નથી. તમામ લોકોની હાલત સુધારા પર છે પરંતુ આ ઘટનાને લઈને પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આ હીન કૃત્ય કરનારને પોલીસ છોડશે નહીં.