December 24, 2024

પ્રદૂષણ અને ધુમ્મસની ફ્લાઈટ પર પણ અસર, દિલ્હીથી 11 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ

Low Visibility in Delhi Airport: રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રદૂષણ અને ધુમ્મસના કારણે હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં નબળી વિઝિબિલિટીને કારણે સોમવારે સવારે દિલ્હી એરપોર્ટ પર કુલ 11 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ઘણી વિલંબિત થઈ હતી. સોમવારે, સ્પાઇસજેટ અને ઇન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા મુસાફરોને જાણ કરી હતી કે રાષ્ટ્રીય રાજધાનીમાં ઉચ્ચ સ્તરના પ્રદૂષણને કારણે ઓછી વિઝિબિલિટીને કારણે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે 11 ફ્લાઇટ્સમાંથી 10ને જયપુર અને એકને દેહરાદૂન તરફ વાળવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેટલાક પાઈલટોને CAT III ઓપરેશન્સ માટે તાલીમ આપવામાં આવી ન હતી, જેના કારણે ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવી પડી હતી. સામાન્ય રીતે, CAT III પ્રશિક્ષિત પાઇલોટ્સને ખૂબ જ ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં પણ એરક્રાફ્ટને ટેક ઓફ અને લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ સોમવારે સવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “દિલ્હી એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટી જોવા મળી રહી છે. જો કે, વર્તમાન પરિસ્થિતિમાં પણ તમામ ફ્લાઇટ ઓપરેશન સામાન્ય છે.” DIAL દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરે છે, જે દરરોજ લગભગ 1400 ફ્લાઈટની અવરજવર સંભાળે છે.