December 22, 2024

ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા 11 બાંગ્લાદેશીઓ ઝડપાયા, મુંબઈ જવાનો હતો પ્લાન

અગરતલા: ત્રિપુરાની રાજધાની અગરતલાથી સ્થાનિક પોલીસે 11 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બાંગ્લાદેશીઓની અગરતલા રેલ્વે સ્ટેશનથી કોઈપણ લીગલ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વગર જ દેશમાં પ્રવેશવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

અહેવાલો છે કે, પોલીસને કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને લઈને ઈનપુટ મળ્યા હતા કે કેટલાક લોકો સિપાહીજાલા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને અગરતલા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચઢશે. ત્યારબાદ, રેલ્વે પોલીસે શનિવારે સાંજે તેઓની શોધ શરૂ કરી હતી.

આ અંગે ઓફિસર ઇન્ચાર્જ (OC) તાપસ દાસે જણાવ્યું છે કે, ‘અમે અગરતલા રેલવે સ્ટેશનથી 11 લોકોની અટકાયત કરી છે. જેમાં, 5 મહિલાઓ અને 6 પુરૂષોનો સમાવેશ થાય છે. તેમને પૂછપરછ માટે અગરતલા જીઆરપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.’

દાસે વધુમાં જણાવ્યું છે કે પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશી નાગરિક ભારતીય વિસ્તારમાં દાખલ થવા માટે કોઈ જ લીગલ ડોક્યુમેન્ટ રજૂ કરી શક્યા ન હતા. ભારતીય ભૂમિમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 11 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી. વધુ પૂછપરછ માટે તેને પોલીસ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 11 બાંગ્લાદેશી નાગરિકો પૈસા કમાવવા માટે ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતા જવાની યોજના બનાવી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે “અમે માનવ તસ્કરીના પ્રયાસોની શક્યતાને નકારી શકતા નથી અને તપાસ શરૂ કરવામાં આવી છે,” અગાઉ 27 જૂને અગરતલા રેલ્વે સ્ટેશન પરથી બે બાંગ્લાદેશી નાગરિકોની ભારતીય ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.