December 18, 2024

સરખેજ જમીન વિવાદમાં 10થી 15 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે રાયોટિંગનો નોંધ્યો ગુનો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના સરખેજમાં 600 કરોડના જમીનમાં વિવાદને લઈને ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં 600 કરોડની જમીનનો વિવાદ માનવ અધિકાર પંચમાં પહોંચ્યો હતો. જેમાં 23 ફેબ્રુઆરીના રોજ જમીનના વિવાદમાં સમાધાન કરવાના બહાને હવા અને જમીન પર 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરીને જમીનનો કબજો મેળવી લીધો હતો.

જે મામલે જમીન દલાલ ભરત અલગોતરે સરખેજ પોલીસ ફરિયાદ નહીં લેતા માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી હતી. આ આક્ષેપોને લઈને માનવ અધિકાર પંચ દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનના PI અને ACPને નિવેદન માટે બોલાવ્યા હતા અને આ સાથે ફરિયાદ કરનાર ભરત અલગોતરેની પણ પૂછપરછ કરી હતી. માનવ અધિકાર પંચના કડક વલણ બાદ સરખેજ પોલીસે હિતેન્દ્રસિંહ વાઘેલા એન દિપક હિરપરા તેમજ 50 થી 100 લોકોના ટોળા વિરુદ્ધ આમ્સએક્ટ, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સરખેજ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે સરખેજની 600 કરોડની જમીનના વિવાદની તપાસમાં સામે આવ્યું કે અગાઉ પણ 23 ફેબ્રુઆરીના રોજ આ કેસના આરોપી હિતેન્દ્રસિંહ વાઘેલા એન દિપક હિરપરા દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ભરત અલગોતર, ચેતન પુવાર, પ્રભુ મકવાણા, રણિજત મકવાણા, હિતેન્દ્ર બારડ અને ધુર્વ જાદવ વિરુદ્ધ મારમારી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. મહત્વનું છે કે 600 કરોડની જમીનના મૂળ માલિક શીલાબહેન રાજેન્દ્રભાઇ અને તેના બે પુત્રો ચિંતન રાજેન્દ્ર ભાઈ અને શ્રેયાંશ રાજેન્દ્રભાઇ છે. જેમને વેચાણ બાનાખત આ કેસના આરોપી હિતેન્દ્રસિંહ વાઘેલા એન દિપક હિરપરાને આપ્યું હતું. આ જમીનનો અડધો ભાગ એક પરિચિત હરિશકર પ્રજાપતિને ભાગપેટે આપ્યો હતો.

આ હરિશકરએ જમીનનો વેચાણ બનાખત ભરત અલગોતરને કર્યો હતો. જેનો દાવો સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે. બીજી બાજુ આ વિવાદ વચ્ચે ફાયરીગના આક્ષેપોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. વધુમાં જણાવ્યું કે, જમીનના વિવાદમાં માનવ અધિકાર પંચ કડક વલણ દાખવતા ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ ફાયરિંગને લઈને હજુ કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી. જેથી પોલીસે ફરિયાદીનું નિવેદન લઈને આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.