December 25, 2024

ભાદરવી પૂનમના મેળાના પહેલા જ દિવસે 1.95 લાખ ભક્તોએ કર્યા દર્શન

અંબાજી: જગતજનની માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. તો, આજે પહેલા દિવસથી જ અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે આજે ભાદરવી પૂનમના મેળાના પહેલા જ દિવસે લાખોની સંખ્યામાં ભક્તોએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

તો, ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે 1.70 લાખ બોક્સ મોહનથાળનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, અંબાજી ખાતે પૂનમના મેળાના પ્રથમ દિવસે આજે 1.95 લાખ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા.

તો સાથે સાથે, માં અંબાના નિજ મંદિરમાં મેળાના પહેલા જ દિવસે 80 લાખ રૂપિયાની આવક થઈ છે. વધુમાં, 5000 જેટલાં ભક્તોએ મેડિકલ કેમ્પની સારવાર લીધી હતી. તો, 25000 જેટલા ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો.