એલ્વિશને લઈને મોટો ખુલાસો, કેમ કરતો હતો સાપના ઝેરની સપ્લાય?
નોઈડા: છેલ્લા કેટલાક દિવસથી એલ્વિશ યાદવને લઇને ચર્ચા ચાલી રહી છે સાથે જ હાલ એલ્વિશની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે એલ્વિશને લઇને નોઇડા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. નોઈડા પોલીસે જણાવ્યું છે કે બિગ બોસ OTT 2 વિજેતા અને પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવ માત્ર પૈસા માટે જ નહીં પરંતુ તેના સોશિયલ મીડિયા ફેન બેઝને વધારવા માટે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરતો હતો. પોલીસ સૂત્રો દાવો કરે છે કે સાપનું ઝેર સપ્લાય કરવું એ એલ્વિશ માટે પોતાનો સ્વેગ અને વર્ચસ્વ બતાવવાનો એક માર્ગ હતો.
રવિવારે નોઈડા પોલીસે સાપ અને સાપના ઝેરની સપ્લાય કરવાના કેસમાં એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવ્યો હતો. થોડા સમયની પૂછપરછ પછી પોલીસે એલ્વિશની ધરપકડ કરી અને પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. એલ્વિશને હાલ જેલમાં જ રહેવું પડશે. કારણકે વકીલોની હડતાળને કારણે સોમવારે તેની જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી.
પોલીસ પાસે પુરાવા છે
પોલીસ સૂત્રોનું કહેવું છે કે તેમની પાસે એલ્વિશ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. એટલું જ નહીં, પોલીસે એ પણ જણાવ્યું છે કે એલ્વિશ રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર કેમ સપ્લાય કરતો હતો. ખરેખર, પોલીસના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી દ્વારા એલ્વિશ યાદવ લોકોને અહેસાસ કરાવવા માંગતો હતો કે તેની પાસે સ્વેગ અને સ્ટાઇલ છે. તે તેના ચાહકોમાં એવી છબી રજૂ કરવા માંગતો હતો કે એવું લાગે કે એલ્વિશ કાયદાથી ડરતો નથી અને તે જે ઇચ્છે તે કરી શકે છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે એલ્વિશ યાદવ સાથે સંકળાયેલી છ રેવ પાર્ટીઓમાં સાપના ઝેરના ઉપયોગના પુરાવા મળ્યા છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ કહ્યું છે કે તે પોતે પણ તેમાંથી કેટલીક પાર્ટીઓમાં સામેલ છે. સૂત્રનું એમ પણ કહેવું છે કે પાર્ટીમાં ભાગ લેનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને સાપના ઝેરનો ઉપયોગ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.