December 9, 2024

આ વખતની ચૂંટણી કોંગ્રેસ-અપક્ષ વચ્ચે, BJP ક્યાંય હરિફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત

બનાસકાંઠાઃ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પણ ગામેગામ પ્રચારની શરૂઆત કરી નાંખી છે.

વાવના માડકા ગામે ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યુ છે કે, ‘આ વાવની ચૂંટણી હાલની તારીખમાં કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે. બીજેપી ક્યાંય હરીફાઈમાં પણ નથી. એટલે કોઈ બીજેપી વિશે વિચારતું હોય તો મહેરબાની કરીને ન વિચારતા. તમારો કિંમતી વોટ વેચાઈ ન જાય તે તમે ખાસ જોજો. મને મળવા માટે તમારે કોઈ વચેટિયો નહીં રાખવો પડે.’

તો બીજી તરફ, બીજેપી ગામેગામ પ્રચારમાં લાગ્યું છે. બીજેપીના ઉમેદવાર અને બીજેપીના આગેવાનો ગામડાઓમાં પ્રચાર કરી રહ્યા છે. જો કે, દરેક ગામમાં ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત થાય છે અને મત આપવાની બાંહેધરી પણ અપાય છે. કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં સીધો મુકાબલો છે. ત્યારે અત્યારે તો ત્રણેય પક્ષો પ્રચારના કામમાં લાગી ગયા છે. મતદાનને માત્ર ગણતરીના દિવસો છે એટલે હવે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.