December 11, 2024

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

અમિત રૂપાપરા, સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર બે આરોપીની કાપોદ્રા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 9 નવેમ્બરના રોજ યુવતીએ તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ યુવતીની હત્યા થઈ હોવા બાબતે આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા કાના પરમાર નામનો યુવક યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા ધાકધમકી આપી દુષ્કર્મ આચારતો હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે કાના પરમાર સહિત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક મહિલાની લાશ મળી
9 નવેમ્બર 2024ના રોજ સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમથી કાપોદ્રા પોલીસ સ્ટેશનને મેસેજ મળ્યો હતો કે, પી પી સવાણી હોસ્પિટલ સિધ્ધપુર મંદિર તાપી નદીના પાણીમાંથી એક મહિલાની લાશ લોકોને જોવા મળી છે. આ માહિતી મળતાની સાથે જ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મહિલાની લાશનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ યુવતીના પરિવારના સભ્યો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. યુવતીની હત્યા થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે 9 નવેમ્બરના રોજ યુવતી રાત્રે સાડા ત્રણ વાગ્યે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી.

હોટલના રૂમની બહાર દેખરેખ
સિદ્ધકુટીર મંદિર પાસે ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પાસે રીક્ષા ચાલકના મોબાઈલ પરથી કાના પરમાર નામના વ્યક્તિને ફોન કર્યો હતો. ત્યારબાદ કાનો પોતાના મિત્ર રોહિત ધુમડિયા સાથે યુવતી પાસે આવ્યો હતો. યુવતીને મોટર સાયકલ પર બેસાડી મોટા વરાછા વિસ્તારના ઉતરાણ તરફ આવેલા પનવેલ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં હોટલની અંદર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કાનો જે સમયે યુવતી સાથે હોટલના રૂમમાં હતો ત્યાં રોહિત હોટલના રૂમની બહાર દેખરેખ કરી રહ્યો હતો. ત્યારબાદ કાનો અને રોહિત યુવતીને કાપોદ્રા સિદ્ધકુટીર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પાસે છોડીને જતા રહ્યા હતા.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

અવારનવાર દુષ્કર્મ આચાર્યુ
ત્યારબાદ આ યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મરણ જનાર યુવતીના સગા સંબંધીઓના નિવેદન લેતા સામે આવ્યું હતું કે કાનો પરમાર અગાઉથી જ પરણીત હતો અને મૃતકને છેલ્લા 6 મહિનાથી ડરાવી ધમકાવીને તેની સાથે આડા સંબંધ રાખવા મજબૂર કરતો હતો. મરજી વિરુદ્ધ કાનાએ યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ પણ આચાર્યુ હતું. 9 નવેમ્બરના રોજ રાત્રિના સમયે કાના એ મૃતક યુવતીને ડરાવી ધમકાવીને ઘરેથી બોલાવી હતી અને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરી યુવતીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. કાનાની ધમકીથી પરેશાન થઈને યુવતીએ આપઘાતનું પગલું ભર્યું. પોલીસે યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર કાના પરમાર અને રોહિત ધુમડિયાની ધરપકડ કરી છે.