આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નર્મદાના નીરના વધામણાં
નર્મદા: ચાલુ ચોમાસાની સિઝનમાં નર્મદા નદીના ઉપરવાસમાં થયેલ સાર્વત્રિક વરસાદને લઈને સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેને લઈને ડેમમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે, આવતીકાલે નર્મદા ડેમ 138.68 મીટર સુધી સંપૂર્ણપણે ભરાઈ જશે. જેને પગલે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નર્મદાના નીરના વધામણાં કરવામાં આવશે. નર્મદાના નીરને વધાવવા માટે મુખ્યમંત્રી ખાસ આવતીકાલે 11.45 વાગે કેવડિયા હેલિપેડ પર આવશે અને ત્યારબાદ સરદાર સરોવર નર્મદા ડેમ જશે.
મળતી માહિતી મુજબ, આવતીકાલે બપોરે 12.39 કલાક બાદ CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણાં કરશે. હાલ, સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થઈ રહી છે. મહત્વનું છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલમાં નર્મદા ડેમની સપાટી 138.62 મીટર પર પહોંચી ગઈ છે. અને હાલ નર્મદા ડેમ પોતાની મહત્તમ સપાટીથી માત્ર 6 સેમી બાકી છે.
જાણવા મળી રહ્યું છે કે નર્મદા ડેમના ઉપરવાસમાંથી 75511 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમના 1 દરવાજા 1.30 મીટર ખુલ્લો કરવામાં આવ્યો છે. જેને પગલે નર્મદા નદીમાંથી કુલ 80,000 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટીએ પહોંચવામાં આવનાર હોવાથી નર્મદા ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારમાં આવતા 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ, નર્મદા ડેમ 99.95 ટકા ભરાઈ ગયો છે અને આવતી કાલે નર્મદા ડેમ મહત્તમ સપાટી વટાવી જશે.