September 10, 2024

અમરેલીના ભેંસાણ ગામના ખેડૂતોએ ઉચ્ચારી જળસમાધિ લેવાની ચીમકી તો તંત્ર દોડતું થયું

દશરથસિંહ રાઠોડ, અમરેલી: જળ સંચયના કામો સરકાર દ્વારા સિદ્ધ કરવામાં આવ્યા પણ જળ સંચયથી ભરાયેલા ચેકડેમો ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતોને ગાડા માર્ગ બંધ થઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. લીલીયા તાલુકાના ભેસાણ ગામે ગાગડીયો નદીમાં જળ સંચય થતા ભેસાણ ગામના 1 હજાર વીઘા જમીનો ધરાવતા ખેડુતોને પોતાના વાડી ખેતરે જવાના માર્ગમાં પાણીનો પ્રવાહ અવરોધ ઊભો થયો હતો. જેને લઈને તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ખેડૂતોની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું. જેને લઈને, આજે ભેસાણ ગામના ખેડૂતો દ્વારા જળ સમાધી કાર્યક્રમ આપતા તંત્ર દોડતું થયું હતું. જોકે, બાદમાં સમજાવટને અંતે બોડીયા ચેકડેમમાંથી પાણીનો પ્રવાહ ખોલતા જળ સમાધી કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો.

લીલીયાના ભેસાણ ગામના સ્થાનિકો દ્વારા બોડિયા ચેકડેમને કારણે ખેડૂતોને વાડીએ જવાનો વિકટ પ્રશ્ન સર્જાયો હતો. હજુ 15 દિવસ પહેલા જ જે ડેમનું સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લોકાર્પણ કર્યું હતું આ ગોવિંદકાકા ધોળકીયા સરોવર માંથી આજે પાણી છોડવામાં આવ્યું. કેમ કે, ભેસાણના બોડિયા ચેકડેમમાં પાણી ભરાઈ જવાથી ભેસાણ ગામની 1000 વીઘા જમીન ખેડૂતોને જઈ શકાતું ન હતું.

ખેડૂતો તેમજ માલધારીઓને જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થતા ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો વાડી ખેતર જવાની મુશ્કેલી વચ્ચે તંત્ર દ્વારા પાણીનો નિકાલ ન કરતા સ્થાનિકો દ્વારા જળસમાધિ કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો જે અંગે જળ સિંચાઇ વિભાગના અધિકારીઓએ આજે ભેસાણ ગ્રામજનો સાથે બેઠક કરીને ચેકડેમ માંથી પાણી છોડીને ખેડૂતોનો રસ્તો કરી આપવાની ખાત્રી આપતા જળ સમાધિ કાર્યક્ર્મ મોકૂફ રહ્યો હતો.

1 હજાર વીઘા જમીનોમાં ખેતી ન કરી શકતા ખેડૂતોની વ્યથાઓ અંગે સુખદ સમાધાન થતાં 15 દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી અને સાંસદ ગોવિંદ ધોળકીયા દ્વારા લોકાર્પણ કરેલ ચેકડેમ આજે ખાલી કરીને ખેડૂતોનો રસ્તો કરી આપવામાં આવ્યો હતો ને જળ સમાધિ કાર્યક્રમ બંધ રહેતા ભેંસાણના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.