મોસ્કોથી પરત આવ્યા બાદ વિઝા કન્સલ્ટન્સીએ રૂપિયા ન આપતા પોલીસ ફરિયાદ
અમિત રુપાપરા, સુરતઃ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં યુવાનો વિદેશ જઈ રહ્યા છે. ઘણાં અભ્યાસ માટે જાય છે, તો ઘણાં કમાવવા માટે જતા હોય છે. ત્યારે વિઝા ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા કેવલ દવેએ સુરતના મોટા વરાછા સનરાઈઝ કોમ્પલેક્ષમાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતા જયંતિ ખોખર સામે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કેવલ દવેએ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે, ‘તેમને જે કે વિઝા કન્સલ્ટન્સીમાંથી રશિયાના સ્ટુડન્ટ વિઝા કરાવ્યા હતા અને અભ્યાસ કરવા માટે તેઓ 14 ફેબ્રુઆરી 2024ના રોજ તેમના મિત્રો સાથે રશિયા ગયા હતા. કેવલ દવે તેના મિત્ર પરદેશી ગોપાલ અને મેહુલ ઝાલાવાડીયા સાથે રશિયા ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમના વિઝાની વેલિડિટી 65 દિવસની છે. ત્યારબાદ આ બાબતે તેમને જે કે કન્સલ્ટન્સીના જયંતિ ખોખરને વાત કરતા વિઝા એક વર્ષના કરાવવાની જવાબદારી જયંતિ ખોખર દ્વારા લેવામાં આવી હતી.’
આ પણ વાંચોઃ હમીરસર બન્યું સુસાઇડ પોઇન્ડ, બે મહિનામાં 5 લોકોનાં આપઘાત
અરજીમાં વધુ જણાવવામાં આવ્યું છે કે, ‘ત્યારબાદ કેવલ દવે અને તેમના મિત્રોના વિઝા 21 માર્ચ 2024ના રોજ પૂરા થતાં તેમને મોસ્કોમાંથી જયંતિ ખોખરને ફોન કર્યો હતો અને ત્યારબાદ જયંતિ ખોખરે રિટર્ન ટિકિટ તમામની કરાવી આપી હતી અને સુરત આવ્યા બાદ પેમેન્ટ મળી જશે તેવું જણાવ્યું હતું. સુરત આવ્યા બાદ કેવલ દવે અને તેના મિત્રોને જયંતિ પટેલ દ્વારા પેમેન્ટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.’ તેથી આ બાબતે જે કે વિઝા કન્સલ્ટન્સીના પ્રોપરાઇટર જયંતિ ખોખર સામે કાર્યવાહીની માગણી સાથે કેવલ દવે અને તેના મિત્રોએ પોલીસ કમિશનરને પણ આ બાબતે રજૂઆત કરી છે.