December 13, 2024

વરાછામાં વિદ્યાર્થિનીને ઢોરમાર મારતા તબિયત લથડી, પિતા પર ફરિયાદ ન કરવા સ્કૂલનું દબાણ

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં વિદ્યાર્થિનીને શિક્ષકે ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે. ત્યારે આ સમગ્ર મામલે શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, શ્રી ક્રિષ્ના વિદ્યાલયમાં અભ્યાસ કરતી 5 વર્ષની વિદ્યાર્થિનીને માર માર્યો હતો. ત્યારે વિદ્યાર્થિનીની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વિદ્યાર્થિનીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી છે.

વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ જઈ MLC કરાવીને સારવાર કરવામાં આવી રહી છે. હાલ વિદ્યાર્થિનીના પિતા દ્વારા સ્કૂલના સીસીટીવી ફૂટેજ માગવામાં આવ્યા છે. ત્યારે સ્કૂલે સીસીટીવી ફૂટેજ આપ્યા નથી. આ ઉપરાંત વિદ્યાર્થિનીના વાલીને ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ જરૂર પડશે તો શાળાની માન્યતા પણ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.