October 5, 2024

સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડની માગણી, સુરતની કંપનીને મેઇલમાં નોટિસ ફટકારી

સુરતઃ શહેરમાં અનેકવાર છેતરપિંડીના બનાવ સામે આવતા હોય છે. ત્યારે વધુ એક આવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં પાણીપુરી બનાવતી જલપુરી કંપનીના માલિકને નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે સલમાન ખાનની ફર્મના નામ પરથી ઇમેઇલમાં નોટિસ મોકલવામાં આવી હતી અને નાણા પડાવવાનો કારસો રચવામાં આવ્યો હતો.

ઇન્સ્ટાગ્રામની એડમાં અભિનેતાના ફોટાનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે મામલે નોટિસ પાઠવવામાં આવી હતી. જલપુરી ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામથી આ કંપની ચાલતી હતી અને તેને નોટિસ પાઠવવામાં આવી છે.

કંપનીની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ પેજ અને વેબસાઇટ પણ બનાવવામાં આવી હતી. ગત 30 માર્ચ 2024ના રોજ ઈમેઇલ પર એસએસઆર એસોસિએટ તરફથી નોટિસ મળી હતી. બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના નામથી નોટિસ રૂપે ફાઇલ મોકલનામાં આવી હતી. નોટિસ રૂપે ચાર પાનાંની ડોક્યુમેન્ટ ફાઇલ મોકલવામાં આવી હતી.

ઇન્સ્ટાગ્રામ આઇડી પર સલમાન ખાનના ફોટા સાથે ખોટી જાહેરાત મૂકવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે નોટિસ તપાસ કરતા 15 કરોડ કમ્પોઝિશન તરીકે ચૂકવવા અને ટેક્સ લીગલ ફી 1.25 લાખ ચૂકવવાની માગ કરવામાં આવી હતી. આ ખેલમાં કંપનીના મધ્યસ્થી કન્સલ્ટન્ટનું જ આખું કારસ્તાન નીકળ્યું છે.

કન્સલ્ટન્ટ ભગીરથ કથેલિયાએ વચ્ચે પડી મુંબઈના તેમના મિત્ર દિનેશ રાવ સાથે વાતચીત કરાવી હતી. દિનેશ રાવ બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે સાથે જોડાયેલા છે તેવું કહ્યું હતું. વાતચીત કરી સમાધાન પેટે બેન્ક એકાઉન્ટમાં પૈસા નાખવા હોય તો 4 કરોડ અને રોકડ રકમ આપવી હોય તો દોઢ કરોડમાં સમાધાનની વાત કરી હતી. જો કે, કંપની દ્વારા આ મામલે ખરાઈ કરતા આ નામથી કોઇ ફોર્મ રજિસ્ટર થઈ જ ન હોવાનો ખુલાસો થયો છે.

ત્યારે હવે આ મામલે જલપુરી કંપનીના માલિકે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. મધ્યસ્થી બનેલા કન્સલ્ટન્ટનું કારસ્તાન નીકળતા સાયબર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.