July 1, 2024

વડાપ્રધાન મોદીની મહાપૂજા; ગળામાં ઇલાયચીની માળા, માથે ત્રિપુંડ અને હાથમાં ત્રિશૂળ…

prime minister narendra modi kashi vishwanath temple mahapooja

વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ મંદિરે ષોડ્ષોપચાર પૂજા કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં વિજય અને ફરીથી દેશના વડાપ્રધાન બનવાનો સંકલ્પ લઈને પૂજા કરી. મંદિરના અર્ચકે વડાપ્રધાન પદ પ્રાપ્ત કરવાની કામનાનો સંકલ્પ અપાવ્યો. વડાપ્રધાન મોદીના કપાળે ત્રિપુંડ, હાથમાં ત્રિશૂળ અને માથા પર લવિંગ-ઇલાયચી અને બદામની શ્રૃંગાર માળા પહેરી હતી.

શનિવારે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં અર્ચક શ્રીકાંત મિશ્રાએ વડાપ્રધાનને પ્રતિજ્ઞા લેવડાવી અને ષોડશોપચાર પૂજા કરાવી હતી. આ પહેલાં વડાપ્રધાને 2014માં પહેલીવાર બાબા વિશ્વનાથની ષોડશોપચાર પૂજા કરી હતી અને બીજી વખત 2019માં વિજયની કામના સાથે પૂજા કરી હતી.

હવે ત્રીજી વાર વડાપ્રધાન મોદીએ વારાણસીથી ઉમેદવારી જાહેર કરી છે. ત્યારબાદ તેઓ પૂજા માટે શ્રી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રો. નાગેન્દ્ર પાંડેએ જણાવ્યુ હતુ કે, સંકલ્પની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શિવની પંચોપચાર, ષોડશોપચાર અને રાજોપચારની પૂજા કરવાની પરંપરા છે.

પીએમએ ગર્ભગૃહમાં 15 મિનિટ સુધી ષોડશોપચાર પૂજા કરી અને 20 મિનિટ સુધી મંદિર પરિસરમાં રહ્યા હતા. આ પૂજા રુદ્ર સૂક્તના મંત્રોથી કરવામાં આવી હતી. તેમણે દેશની સમૃદ્ધિ માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. ઈચ્છિત સિદ્ધિ માટે પૂજા પહેલા સંકલ્પ કરવાનો નિયમ છે. સંકલ્પ લીધા વિના કોઈપણ પ્રકારની પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.

પૂજામાં સંકલ્પ લેવાનો અર્થ છે તમારા પ્રમુખ દેવતા અને તમારી જાતને સાક્ષી માનીને પૂજા પૂર્ણ કરવી. એવું માનવામાં આવે છે કે, જે પૂજામાં કોઈપણ સંકલ્પ વિના પૂજા કરવામાં આવે છે, તેનું સંપૂર્ણ ફળ ભગવાન ઈન્દ્રને જાય છે.

શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પ્રો. નાગેન્દ્ર પાંડેએ જણાવ્યું કે, પૂજા દરમિયાન પીએમના માથા પર બાબા વિશ્વનાથના ફૂલોનો મુગટ મૂકવામાં આવ્યો હતો. ફૂલોનો આ તાજ ખાસ છે. પ્રો. પાંડેએ જણાવ્યું કે, જ્યારે કાશી વિશ્વનાથને શણગારવામાં આવે છે, ત્યારે ફૂલોનો મુગટ બનાવવામાં આવે છે અને બાબાના માથા પર શણગારવામાં આવે છે. અર્ચકે આ તાજ પીએમને બાબા વિશ્વનાથના આશીર્વાદ તરીકે પહેરાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ગર્ભગૃહના દક્ષિણી દ્વારથી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. પૂજા બાદ મુખ્યમંત્રીએ વડાપ્રધાનને સ્મૃતિચિહ્ન તરીકે ડમરું અને સાપ જડેલું ત્રિશૂળ અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જય શ્રી રામ લખેલી સાલ ઓઢાળીને તેમનું સ્વાગત કર્યું. ઘનપતિ વૈદિકોએ ધામમાં વડાપ્રધાનનું ઘનપથ આહ્વાન સાથે સ્વાગત કર્યું હતું.

પીએમએ એલચીની માળા પહેરી, ત્રિપુંડ લગાવ્યું અને ત્રિશૂળ લીધું

  • એલચીની માળા આધ્યાત્મિકતામાં વધારો કરે છે – એલચીનો સંબંધ શુક્ર સાથે છે. તે પ્રગતિને પ્રોત્સાહન આપે છે અને અદ્યતન જ્ઞાન પ્રદાન કરે છે. આ સિવાય એલચીની માળા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આધ્યાત્મિકતામાં વધારો કરે છે.
  • ત્રિશૂળ ધારણ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે – ત્રિશૂળ ધારણ કરવાથી જીવનમાં નકારાત્મકતાનો નાશ થાય છે અને વ્યક્તિ આધ્યાત્મિક જીવન તરફ આગળ વધે છે. ત્રિશૂળ વ્યક્તિનું અભિમાન પણ દૂર કરે છે અને તેને તેના પ્રભુની નજીક આવવાની તક આપે છે. તે આ ભૌતિક જીવન છોડી દે છે અને સત્યનો અહેસાસ કરે છે.
  • ત્રિપુંડ મનમાં ખરાબ વિચારો લાવતું નથી – ત્રિપુંડ લગાવવાથી માનસિક શાંતિ મળે છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે, જે પણ ભક્ત પોતાના કપાળ પર ત્રિપુંડ ધારણ કરે છે તેના પર દુષ્ટ શક્તિઓ પ્રભાવિત થઈ શકતી નથી. ત્રિપુંડ જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને સુખ અને શાંતિ જાળવી રાખે છે.

વડાપ્રધાનનો સંકલ્પ…
જંબુ દ્વીપે ભારત વર્ષે, ભરત ખંડે આર્યાવર્તે ગત દેશાંતરેગતે અવિમુક્ત વારાણસી ક્ષેત્રે આનંદવને મહાસ્મશાને ગૌરી મુખે ત્રિકંટક વિરાજતે અસિ વરુણો મધ્યે… ભારત કલ્યાણાર્થ દેશેસ્મિન સુખ, શાંતિ, સૌમનસ્ય અભિવૃદ્ધયર્થમ સમસ્ત ભારતીયાનાં ધર્મ બુદ્ધિ લાભ્યાર્થમ, કૃત કાયિક, વાચિક, માનસિક, સાંસારગિક પાતક જ્ઞાત અજ્ઞાત દુરિત ક્ષય દ્વારાઃ ધર્માર્થ કામ મોક્ષ પુરુષાર્ષઃ ચતુષ્ટયઃ સિદ્ધ્યર્થં શ્રી વિશ્વેસર સાંબ સદાશિવ પ્રીત્યર્થં વિશેષતઃ આગામી નિર્વાચને શ્રી કાશી વિશ્વનાથ કૃપા અનુગ્રહ દ્વારાઃ વિજયશ્રી પ્રાપ્ત્યઃ પુનશ્ચઃ દેશસ્ય પ્રાધાન્યપદઃ કામનાઃ શ્રી વિશ્વેશ્વર સાંબ સદાશિવ સન્નિધૌ યથા વિધિ પૂજનં કરિષ્યસિ…

સંકલ્પનો અર્થ શું થાય?
જંબુદ્વીપ ભારતવર્ષના ભારત ખંડ આર્યાવર્તમાં અવિમુક્ત વારાણસી ક્ષેત્રના આનંદવન મહાસ્મશાન ત્રિશૂળ અને અસિ વરુણાના મધ્યમાં બિરાજમાન છે. હું ત્યાં ભારતના કલ્યાણ, દેશમાં સુખ-શાંતિ, સૌમન્યસ્યની વૃદ્ધિની સાથે તમામ ભારતીયોની ધર્મ, બુદ્ધિ વધારવાની કામના કરું છું. આ સાથે જ તેમના દ્વારા કરવામાં આવેલા કાયિક, વાચિક, માનસિક અને સાંસારિક જ્ઞાત-આજ્ઞાત પાપ ભગવાન શિવ હરી લે. આ સાથે જ તમામને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પુરુષાર્થ આપે. હું શ્રી વિશ્વેશ્વર સાંબ સદાશિવની સામે આગામી ચૂંટણીમાં બાબા વિશ્વનાથની કૃપાથી વિજય પ્રાપ્ત કરવા સાથે ફરીથી દેશના વડાપ્રધાન પદ મેળવવા માટેની કામના સાથે પૂજન કરી રહ્યો છું.