December 11, 2024

નવસારીના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ જીવતા ભડથું થયા

નવસારીઃ જિલ્લામાં ગણદેવીના દેવસર નજીક ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. દેવસર નજીક આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, કેમિકલના બેરલ ટ્રકમાંથી ખાલી કરવામાં આવી રહ્યા હતા. તે સમયે કેમિકલ ઢોળાતા ભડકો થયો હતો. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને કારણે 3 લોકો જીવતા ભડથું થયા હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ ઘણાં લોકો ગોડાઉનમાં ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સહિત ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે નવસારીમાં ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. તેને પગલે બીલીમોરા, ગણદેવી, નવસારી, ચીખલી સહિતના ફાયર ફાઈટર્સને મોકલવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ વિકરાળ બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.