શાળામાં વિદ્યાર્થીઓ હાજર, પણ આચાર્ય-શિક્ષકોની ગુલ્લી!
નડિયાદઃ હમણાં થોડા દિવસ પહેલા એક શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને શાળામાં જ પૂરી બહારથી તાળું મારીને જતા રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે સરકારી શાળાના શિક્ષકોની વધુ એક બેજવાબદારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મળતી માહિતી પ્રમાણે, નડિયાદ તાલુકાના ઉમેદપુરાની પ્રાથમિક શાળાનો વીડિયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે શાળામાં શિક્ષકોની હાજરી ન દેખાતા જાગૃત નાગરિકે વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. તમામ વર્ગખંડો તપાસતા એકપણ શિક્ષક કે આચાર્ય નહોતા જોવા મળ્યા. તેટલું જ નહીં, શાળાના કાર્યાલયમાં પમ તાળા તેમજ સ્ટાફરૂમ પણ ખાલી જોવા મળ્યો હતો.
આ સમગ્ર વચ્ચે શાળાના વિદ્યાર્થીઓ પણ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓને શિક્ષકો અંગે પૂછતા તેમણે પણ જાણ ન હોવાનું જણાવ્યું હતું. શિક્ષકોની ગેરહાજરીથી બાળકોના શિક્ષણ તેમજ સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં શિક્ષકો બાળકોને પૂરીને જતા રહ્યા હતા
પાટડીના ફતેપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. અહીં 20 થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષકો બહાર ચાલ્યા ગયા હતા. જોકે આ વાતની જાણકારી મળતા જ સરપંચ સહિતના ગ્રામજનોએ શાળા સંકુલના તાળા તોડીને બાળકોને બહાર કાઢ્યા હતા અને બાદમાં શાળામાં આવેલા શિક્ષકોનો ઉધડો લીધો હતો. આ દરમિયાન ગામમાં પણ આ મામલો ચર્ચામાં આવ્યો હતો. જે બાદ મોટી સંખ્યામાં ગ્રામજનોએ શાળાના શિક્ષકોને ખખડાવ્યા હતા.