નડિયાદની સલમાએ 4 વિષયમાં મેળવ્યા 100 માર્ક્સ, માતા સિલાઈ કામ કરી ગુજરાન ચલાવે છે
યોગીન દરજી, નડિયાદઃ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. પરંતુ નડિયાદની એક મુસ્લિમ પરિવારની દીકરી સલમાએ 600માંથી 595 માર્ક્સ એટલે કે 99.60 ટકા પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે.
શહેરની વિઝન સ્કૂલમાં ભણતી આ દીકરીએ ચાર વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે, જ્યારે અંગ્રેજીમાં 99 અને ગુજરાતી વિષયમાં 96 માર્ક્સ મેળવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. મીડિયા સાથે વાત કરતા સલમાએ જણાવ્યું હતું કે, મારી મોટી બહેન MBBS થઈ છે અને મારું પણ સ્વપ્ન ડોક્ટર બનવાનું છે.
મહત્વની બાબત છે કે, સાલમાની માતા સિંગલ પેરેન્ટ્સ છે અને તેમણે સિલાઈ મશીન ચલાવી અથાગ મહેનતે બંને દીકરીઓને ભણાવી છે. ત્યારે મધર્સ ડેના આગલા દિવસ આવેલા આ પરિણામે માતા શબનમ બહેનને પણ મધર્સ ડેની ગિફ્ટ આપી છે.
રાજ્યનું પરિણામ 82 ટકા કરતાં વધુ
રાજ્યમાં ગુજરાત બોર્ડના ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. રાજ્યનું કુલ પરિણામ 82.56 ટકા આવ્યું છે. જ્યારે રિપિટર્સનું પરિણામ 49.06 ટકા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ઉપસ્થિત નિયમિત પરીક્ષાર્થીઓની સંખ્યા 6.99 લાખ છે. જેમાંથી માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર નિયમિત પરીક્ષાર્થીઓની સંખ્યા 5.77 લાખ છે. જેમાં નિયમિત પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી 82.56% આવી છે. આ ઉપરાંત ઉપસ્થિત પુનરાવર્તિત પરીક્ષાર્થીઓની સંખ્યા 1.60 લાખ હતી. માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર પુનરાવર્તિત પરીક્ષાર્થીઓની સંખ્યા 78715 હતી. જેમના પરિણામની ટકાવારી 49.06% આવી છે.
આ સિવાય ઉપસ્થિત ખાનગી પરીક્ષાર્થીઓની સંખ્યા 16261 હતી. તેમાંથી માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર ખાનગી પરીક્ષાર્થીઓની સંખ્યા 4981 છે. ખાનગી પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી 30.63% આવી છે. સૌથી વધુ પરિણામ દાલોદ, તલગાજરડા કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ભાવનગર કેન્દ્રનું આવ્યું છે. જિલ્લા પ્રમાણે જોવા જઈએ તો, સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું આવ્યું છે. રાજ્યની 1389 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે 70 જેટલી શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે. 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 264 છે.
કેટલા વિદ્યાર્થીઓએ કયો ગ્રેડ મેળવ્યો?
A1-23247
A2-78893
B1-118710
B2-143894
C1-134432
C2-72252
D -6110
E1-18