February 28, 2025

મણિપુરમાં મેઇતેઈ જૂથે લૂંટાયેલો સામાન સોંપ્યો, 246 હથિયારો, જૂતા અને હેલ્મેટનો સમાવેશ

Manipur Violence: મણિપુરમાં મેઇતેઈ જૂથ અરામબાઈ ટેંગગોલના સભ્યોએ ગુરુવારે હથિયારો સોંપવાની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં રાજ્ય સરકારને 246 હથિયારો સોંપી દીધા. હથિયારો સોંપતા પહેલા, આ જૂથે મંગળવારે રાજ્યના રાજ્યપાલ અજય ભલ્લા સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમણે ખાતરી આપી હતી કે હથિયારો સરેન્ડર કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

ગેરકાયદેસર હથિયારોની સાથે હેલ્મેટ, શૂઝ, યુનિફોર્મ અને સુરક્ષા દળોના પ્રોટેક્શન જેકેટ્સ પણ Meitei ગ્રુપ દ્વારા સરેન્ડર કરવામાં આવ્યા છે. રાજ્યના ગવર્નર અજય કુમાર ભલ્લાએ મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી જાતિ હિંસાનો અંત લાવવાના પ્રયાસોના ભાગરૂપે સાત દિવસની અંદર લૂંટાયેલા અને ગેરકાયદેસર રીતે રાખેલા હથિયારો અને દારૂગોળો સ્વૈચ્છિક રીતે સમર્પણ કરવા માટે તમામ સમુદાયોને હાકલ કરી હતી. ત્યારબાદ હથિયારો સોંપવાનો સમય પૂરો થાય તે પહેલાં, મેઇતેઇ ગ્રુપે તેના 246 ગેરકાયદેસર હથિયારો સોંપી દીધા.

‘અમે કેટલાક નિયમો અને શરતો મૂકી છે’
મંગળવારે, પુનરુત્થાનવાદી સાંસ્કૃતિક સંગઠન અરામબાઈ ટેન્ગોલની એક ટીમ રાજભવન ખાતે રાજ્યપાલને મળી, જેમાં તેના કમાન્ડર-ઈન-ચીફ ટાયસન નગાંગબામ ઉર્ફે કોરોંગનાબા ખુમાન, જનસંપર્ક અધિકારી રોબિન મંગાંગ ખાવૈરકામ અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. લગભગ એક કલાક ચાલેલી બંધ બારણે થયેલી બેઠક બાદ, રોબિને મીડિયાને જણાવ્યું કે અરંબાઈ ટેંગોલની ટીમે મણિપુરના નવનિયુક્ત રાજ્યપાલ સાથે ‘ફળદાયી ચર્ચા’ કરી હતી.

તેમણે કહ્યું કે રાજ્યપાલે અમને ગેરકાયદેસર રીતે રાખેલા હથિયારો સરેન્ડર કરવા માટે પણ વિનંતી કરી હતી. જોકે, અમે અમુક નિયમો અને શરતો મૂકી હતી અને તેમને ખાતરી આપી હતી કે જો તે શરતો પૂરી થશે તો શસ્ત્રો સોંપી દેવામાં આવશે.