ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીની અધ્યક્ષતામાં બેઠક મળી, મહત્વપૂર્ણ નિર્ણય લેવાયાં

ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની બેઠક મળી હતી. જેમાં DGP દ્વારા 100 કલાકમાં તૈયાર કરાયેલ લિસ્ટ પર પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યો છે. ગુનાહિત ઇતિહાસ સામાજિક તત્વો સામે આજથી જ એકશન લેવાશે. જાહેર માર્ગો કે જાહેર જગ્યા ઉપર ટપોરીઓ કે સામાજિક તત્વો પર તરત જ પગલાં લેવા આદેશ કરાયાં છે. ગૌ હત્યાના કેસોમાં ખૂબ જ ગંભીરતાથી પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. હથિયારો અને પ્રતિબંધિત વસ્તુઓ સાથે ફરતા તત્વો સામે પણ પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યો છે. તમામ સરહદી જિલ્લાઓ ઉપરની બોર્ડર પર સધન ચેકિંગ વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે.

Dy.SPથી ઉપરના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ આપવું પડશે. તમામ Dy.SPએ નોકરી પર હાજર થયાથી દર વર્ષનો રિપોર્ટ કાર્ડ કમ્પેરીઝન સાથે DGPને મોકલવાનું રહેશે. ક્રાઈમ રેટ ઘટ્યો કે વધ્યો એ પણ આપવું પડશે. તમામ એસપી અને ડીસીપી અને તેનાથી ઉપરના અધિકારીઓએ પણ પોતાનો રિપોર્ટ કાર્ડ આપવાનું રહેશે. IPS અધિકારીઓના રિપોર્ટ કાર્ડ ગૃહમંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રિવ્યુ કરશે. બેઠકમાં અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે તેના પર ભાર મુકાયો.