ઝારખંડ કોંગ્રેસનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ, ગૃહમંત્રી અમિત શાહના ડીપ ફેક વીડિયો કેસમાં કાર્યવાહી
Amit Shah fake video: ઝારખંડ કોંગ્રેસનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ હેન્ડલ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક ડીપ ફેક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરને દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના ફેક વીડિયો કેસની તપાસના સંબંધમાં 2 મેના રોજ સમન્સ પાઠવ્યું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા 28 એપ્રિલે આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે.
રાજેશ ઠાકુરને દિલ્હી પોલીસની ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) ઓફિસમાં તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગે ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ‘મને મંગળવારે દિલ્હી પોલીસ તરફથી નોટિસ મળી છે. પરંતુ મને શા માટે નોટિસ આપવામાં આવી તે મારી સમજની બહાર છે. આ અરાજકતા સિવાય બીજું કંઈ નથી.’
Jharkhand Congress handle withheld by X (formerly known as Twitter) in India, in response to a legal demand
A 'deepfake morphed video' of Union Home Minister Amit Shah was posted on the handle pic.twitter.com/kQKkVJA7LR
— ANI (@ANI) May 1, 2024
કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો કોઈ ફરિયાદ હોય તો તેણે પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મારા એકાઉન્ટમાં ઉપલબ્ધ સામગ્રીની ચકાસણી કરવી જોઈતી હતી. ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે અને ચૂંટણી પ્રચારમાં મારી વ્યસ્તતા સમજી શકાય તેવી છે. આ સ્થિતિમાં, તેઓએ મારા લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓની માંગણી કરી છે. બાબતોની ચકાસણી કર્યા વિના સમન્સ જારી કરવું યોગ્ય નથી.
આ સાથે તેમણે કહ્યું કે તેઓ આ મામલે કાયદાકીય અભિપ્રાય લઈ રહ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારના રોજ શાહના ફેક વીડિયોને લઈને ‘ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C)ની ફરિયાદ પર FIR નોંધી હતી. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળની I4C દ્વારા ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં શાહનું નિવેદન ધાર્મિક આધાર પર મુસ્લિમો માટે ક્વોટા સમાપ્ત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જ્યારે, નકલી વિડિયો જે મોર્ફ કરીને વાયરલ કરવામાં આવ્યો છે, તે જોતા લાગે છે કે અમિત શાહ તમામ પ્રકારની અનામતને સમાપ્ત કરવાની હિમાયત કરી રહ્યા હતા.