October 12, 2024

PMJYના અમલમાં મહેસાણા સમગ્ર દેશમાં અગ્રેસર, રૂપિયા 147 કરોડથી વધુની સારવાર અપાઈ

કમલેશ રાવલ, મહેસાણા: PMJAY એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને મધ્યમવર્ગના અનેક પરિવારો માટે આર્શીવાદરૂપ પુરવાર સાબિત થઈ છે. ત્યારે આ યોજનાના અમલીકરણમાં મહેસાણા જિલ્લાએ સમગ્ર દેશમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. તો મહેસાણા જિલ્લો સમગ્ર ગુજરાતમાં આ યોજનાના અમલીકરણમાં અગ્રેસર છે. મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત 1 વર્ષમાં 55650 ક્લેઇમ થયા છે. જેમાં સરકારી હોસ્પિટલમાં 17834 ક્લેઇમ થયા તો ખાનગીમાં 37816 ક્લેઇમ થયા છે. આ બંને ક્લેઇમ થકી 147 કરોડ 33 લાખ 15 હજાર 935 રૂપિયાની સારવાર થઈ છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગના લોકોને 10 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ સમી આ યોજના થકી લાખો કરોડો લોકોની વિનામૂલ્યે અત્યાર સુધી સારવાર થઈ છે. ત્યારે વડાપ્રધાનનો માદરે વતન એવા મહેસાણા જિલ્લાએ આ યોજનાના અમલીકરણમાં સમગ્ર ભારત દેશમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. તો મહેસાણા જિલ્લો સમગ્ર ગુજરાતમાં આ યોજનના અમલીકરણમાં અગ્રેસર છે. મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો આ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 11 લાખ 76 હજાર 780 કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે.

તો તારીખ 11 ઓગસ્ટ 2023 થી તારીખ 22 જુલાઈ 2024ના ગાળામાં મહેસાણામાં જિલ્લામાં આ યોજના અન્વયે કુલ 55 હજાર 650 લોકોએ લાભ લીધો છે. જેમાં સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 13 કરોડ 6 લાખ 46 હજાર 692 રૂપિયાના ક્લેઇમ કરવામાં આવ્યા છે. તો ખાનગી હોસ્પિટલ દ્વારા કુલ રૂપિયા 134 કરોડ 26 લાખ 69 હજાર 243 એટલે કે 134 કરોડ કરતા વધુની રકમના ખાનગી હોસ્પિટલ દ્વારા ક્લેઇમ કરવામાં આવ્યા છે. જે પૈકી સરકારી હોસ્પિટલને 8 કરોડ 28 લાખ 76 હજાર 465 રૂપિયા ચૂકવી દેવાયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલને 82 કરોડ 40 લાખ 60 હજાર 724 રૂપિયાની ચુકવણી કરી દેવાઈ છે. એટલે કે આ ક્લેઇમ પૈકી ખાનગી હોસ્પિટલોને 82 કરોડ કરતા વધુની રકમ ચૂકવી દેવાઈ છે.

મહેસાણા જિલ્લામાં આ યોજનાનો સૌથી વધુ લાભ ખાનગી હોસ્પિટલ દ્વારા લેવાયો છે. એક જ વર્ષમાં ખાનગી હોસ્પિટલો દ્વારા 134 કરોડ કરતા વધુની રકમના ક્લેઇમ કરવામાં આવ્યા છે. આમે સરકારી હોસ્પિટલ દ્વારા માત્ર 13 કરોડ રૂપિયા જ ક્લેઇમ થયા છે. એટલે કે લોકો આ યોજના અંતર્ગત સારવાર મેળવે ત્યારે સરકારીની તુલનામાં ખાનગી હોસ્પિટલને વધુ પ્રાધાન્ય આપે છે. સરકારી હોસ્પિટલની તુલનામાં ખાનગી હોસ્પિટલમાં સુવિધાઓ વધુ મળતી હોવાના કારણે દર્દીઓ આ યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલને બદલે ખાનગી હોસ્પિટલ ઉપર જ પસંદગીનો કળશ ઢોળે છે. આ કારણે જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના આરોગ્ય વિભાગને સરકારી હોસ્પિટલમાં પી એમ જે વાય યોજનાનો વ્યાપ વધારવાની સૂચના આપી છે. જો કે હાલના ડેટા મુજબ તો દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ખૂબ મોટી સંખ્યામાં આ યોજના અંતર્ગત લાભ મેળવી રહ્યા છે.