November 6, 2024

નઈમ કાસિમ બન્યો હિઝબુલ્લાહનો નવો ચીફ, નસરાલ્લાહની લેશે જગ્યા

Hezbollah: લેબનોનના હિઝબુલ્લાહ બળવાખોર જૂથે નઈમ કાસિમને તેના નવા નેતા તરીકે પસંદ કર્યા છે. હસન નસરાલ્લાહના મૃત્યુના લગભગ એક મહિના બાદ હિઝબુલ્લાહે પોતાના નેતા પસંદ કર્યા છે. હસન નસરાલ્લાહ ગયા મહિને ઈઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. હિઝબુલ્લાહે એક નિવેદન જારી કરીને માહિતી આપી હતી કે નઈમ કાસિમ જૂથમાં હસન નસરાલ્લાહનું સ્થાન લેશે. કાસિમ લાંબા સમયથી નસરાલ્લાહના સહાયક તરીકે કામ કરી રહ્યો હતો અને તેના મૃત્યુથી તે હિઝબુલ્લાહના કાર્યકારી નેતા તરીકે કામ કરી રહ્યો હતો.

ત્રણ દાયકા પછી બદલાયો નેતા
હસન નસરાલ્લાહે લગભગ ત્રણ દાયકા સુધી આ જૂથનું નેતૃત્વ કર્યું. નસરાલ્લાહના નેતૃત્વ દરમિયાન, હિઝબુલ્લાએ લેબનોનમાં તેના મૂળિયા મજબૂત કર્યા છે. હિઝબુલ્લાહની નિર્ણય લેતી શુરા કાઉન્સિલે લાંબા વિચાર-વિમર્શ બાદ નઈમ કાસિમને તેના નવા નેતા તરીકે પસંદ કર્યા છે.

હસન નસરાલ્લાહની નીતિઓ પર કામ કરવામાં આવશે
હિઝબુલ્લાહના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે તેઓ વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નસરાલ્લાહની નીતિઓ પર કામ કરવાનું ચાલુ રાખશે અને અલ-અક્સા અને પેલેસ્ટાઈનીઓને એકલા નહીં છોડે. નસરાલ્લાહની હત્યાને લેબનોનના શિયા સમુદાયમાં એક મોટા આઘાત તરીકે જોવામાં આવી હતી કારણ કે ઈઝરાયલ તેની હત્યા પહેલા જ જૂથના ઘણા વરિષ્ઠ નેતાઓની હત્યા કરી ચૂક્યું હતું. આવી સ્થિતિમાં નઈમ કાસિમ ઈઝરાયલના હુમલાનો સામનો કરવાની સાથે પોતાના લડવૈયાઓનું મનોબળ વધારવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: કોણ છે ફ્લાઈટ્સને ધમકી આપનારો જગદીશ ઉઈકે? જેણે એરલાઈ્સને લગાવ્યો કરોડોનો ચૂનો

લેબનોનમાં ઈઝરાયલી સૈનિકો માર્યા ગયા
પોતાના સંગઠનના નેતાઓની હત્યા બાદ હિઝબુલ્લા દેશમાં ઈઝરાયલની ઘૂસણખોરી સામે લડી રહ્યું છે અને દરરોજ ઈઝરાયલની વસાહતો પર રોકેટ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, છેલ્લા 3 દિવસમાં હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચેની લડાઈમાં 48 IDF સૈનિકોના મોત થયા છે. બીજી તરફ, ઈઝરાયલે પણ લેબનોન પર તેના હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. જેના કારણે 10 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને 2 હજારથી વધુ લોકોના મોત થયા છે.