October 5, 2024

ગુજરાત ટાઇટન્સના બેટ્સમેને CPLમાં રમી વિનાશક ઇનિંગ્સ, પાંચમી ઓવરમાં ટાર્ગેટ કર્યો ચેઝ

David Miller: BCCI દ્વારા IPL 2025ના રિટેન્શન નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ટીમો હવે એવા ખેલાડીઓની યાદી બનાવવામાં વ્યસ્ત છે જેમને તેઓ આગામી સિઝન માટે જાળવી રાખવા માંગે છે. જો કે ટીમો પાસે હજુ 31 ઓક્ટોબર સુધીનો સમય છે, પરંતુ IPL ટીમો વિશ્વભરમાં રમાનારી તમામ મેચો પર નજર રાખી રહી છે. દરમિયાન IPLમાં ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન ડેવિડ મિલરે CPL એટલે કે કેરેબિયન પ્રીમિયર લીગમાં એવી તોફાની ઇનિંગ રમી હતી કે વિરોધી ટીમે આપેલા ટાર્ગેટને પાંચ ઓવર પૂર્ણ થાય તે પહેલાં જ હાંસલ કરી લીધો હતો. ડેવિડ મિલરે પોતાની ઇનિંગ દરમિયાન ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી નાંખ્યો હતો.

ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ અને બાર્બાડોસ રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી
સીપીએલમાં એક ઓક્ટોબરે ટ્રીનબાગો નાઈટ રાઈડર્સ અને બાર્બાડોસ રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી. આ મેચમાં ટ્રીનબાગો નાઈટ રાઈડર્સની ટીમે પ્રથમ દાવમાં બેટિંગ કરતા 19.1 ઓવરમાં 168 રન બનાવ્યા હતા. આમાં ફરી એકવાર નિકોલસ પુરને 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 60 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા સાથે 5 છગ્ગા ફટકાર્યા હતા. બાર્બાડોસ રોયલ્સને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ મળવો જોઈતો હતો પરંતુ તે પહેલા બાર્બાડોસ રોયલ્સ બેટિંગ શરૂ કરી શકી હતી. સ્ટેડિયમની લાઈટો ખરાબ થઈ ગઈ હતી અને મેચ ખોરવાઈ ગઈ હતી.

આ પણ વાંચો: હાય રે કિસ્મત! આટલા રનથી કેપ્ટન પોતાની સદી ચૂકી ગયો

માત્ર પાંચ ઓવરમાં 60 રન બનાવવાના હતા
આ સમયગાળા દરમિયાન લાંબી રાહ જોવાઈ હતી. મેચ એલિમિનેટર હોવાથી પરિણામ મેળવવું જરૂરી હતું. કોઈક રીતે વ્યવસ્થા કરવામાં આવી અને મેચ શરૂ થઈ. પરંતુ ઓવર ઓછી કરવી પડી હતી. ડકવર્થ લુઈસના નિયમ મુજબ, બાર્બાડોસ રોયલ્સ પાસે હવે પાંચ ઓવરમાં 60 રનનો ટાર્ગેટ હતો. એટલે કે બાર્બાડોસ રોયલ્સે દરેક ઓવરમાં ઓછામાં ઓછા 12 રન બનાવવાના હતા.

ડેવિડ મિલરે આવતાની સાથે જ મેચ પલટી નાંખી
બાર્બાડોસ રોયલ્સના ઓપનર ક્વિન્ટન ડી કોક બે બોલમાં માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જેના કારણે ટીમ મુશ્કેલીમાં જોવા મળી હતી. પરંતુ ડેવિડ મિલર ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. ડેવિડ મિલરના આગમનથી મેચનું સમગ્ર ચિત્ર બદલાઈ ગયું. મિલરે ધમાકેદાર ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 17 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અન્ય ઓપનિંગ બેટ્સમેન અને ટીમનો કેપ્ટન રોવમેન પોવેલ આઠ બોલમાં નવ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

બાર્બાડોસ રોયલ્સ ટીમ આગામી રાઉન્ડમાં
આ રીતે બાર્બાડોસ રોયલ્સની ટીમે 4.2 ઓવરમાં 64 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે બાર્બાડોસ રોયલ્સે આગલા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે અને નિકોલસ પૂરનના શ્રેષ્ઠ પ્રયાસો છતાં ત્રિનબેગો નાઈટ રાઈડર્સને હારનો સામનો કરવો પડ્યો હતો.