ગુજરાત-મહારાષ્ટ્રની 10 કંપનીના નામે હવાલા કૌભાંડ, યુવકોના નામે કંપનીઓ ખોલી કરોડોની હેરાફેરી કરી

વડોદરાઃ ગુજરાતમાંથી વધુ એક હવાલા કૌભાંડ ઝડપાયું છે. ગુજરાત-મહારાષ્ટ્રની 10 કંપનીના નામે હવાલા કૌભાંડ સામે આવ્યું છે. કંપનીના નામે બેંકમાં રૂપિયા 1073 કરોડનું હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું છે. યુવકોને નોકરીની લાલચ આપી તેમના નામે ઠગાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ યુવકો મધ્યમવર્ગીય છે.

મળતી માહિતી પ્રમાણે, વડોદરા, અમદાવાદ, ગાંધીધામ, અને મહારાષ્ટ્રમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. બેરોજગાર યુવકોના નામે કંપનીઓ ખોલી કરોડોનું હવાલા કૌભાંડ આચર્યું છે. વડોદરાના યુવકને નોકરી રાખી અક્ષરચોક ખાતે ઓફિસ ખોલી આપી હતી. તેને મહિને 25થી 30 હજાર રૂપિયા પગાર તરીકે આપવામાં આવતા હતા. યુવક પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મેળવ્યા હતા.

આ યુવકોના નામે કંપનીઓ ખોલીને કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો કર્યા હતા. ફક્ત કાગળ પર સોફ્ટવેર ખરીદી દર્શાવી વિદેશી બિલિંગ બનાવ્યા હતા. વિદેશથી ભારત સોફ્ટવેર ખરીદતા હોવાનું દર્શાવી GST અને ઇન્કમટેક્સમાં ગોટાળા કર્યા. મૂળ વડોદરાના અને હાલ અમદાવાદ રહેતા યુવક શૈલેષ ખૂંટને 18 કરોડની નોટિસ મળતા ભાંડો ફૂટ્યો છે. ભોગ બનનારા વડોદરાના સુનિલ ભાલેકરે વડોદરા પોલીસ કમિશનરને આ મામલે અરજી આપી છે.

આ હવાલા કૌભાંડમાં મુંબઈના મુખ્ય સૂત્રધારોના નામ સામે આવ્યા છે. વિનોદ હીરામન શિંદે, સાજિદઅલી અન્સારી, દીપક કાથા, ભગવાનદાસ સાહુ, સુજોય બેનર્જીના નામ સામે આવ્યા છે. વડોદરાના 3 યુવકો શરદ કદમ, સુનિલ ભાલેકર, શૈલેષ ખૂંટના નામે બેંક એકાઉન્ટ ખોલી પૈસાની હેરાફેરી કરતા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે.