દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગમાં 4 લોકોના મોત, હજારો લોકો ઘર છોડીને ભાગી ગયા

South Korea: દક્ષિણ કોરિયાના દક્ષિણ ભાગમાં અનેક સ્થળોએ જંગલોમાં ભીષણ આગ લાગ્યા બાદ સરકારે ઈમરજન્સી જાહેર કરી છે. આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.

શુક્રવારે દક્ષિણી કાઉન્ટી સાન્ચેઓંગમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયાના ત્રણ અન્ય અલગ અલગ વિસ્તારોમાં પણ જંગલમાં આગ લાગી છે. કોરિયા ફોરેસ્ટ સર્વિસ અનુસાર સાન્ચેઓંગમાં લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. શનિવાર રાત સુધીમાં આગ માત્ર 25% કાબૂમાં આવી હતી.

વન એજન્સીએ તેના નિવેદનમાં આ વાત કહી
વન એજન્સીએ માહિતી આપી છે કે અધિકારીઓએ આગ ઓલવવા માટે સેંકડો કર્મચારીઓ અને ડઝનબંધ વાહનો તૈનાત કર્યા છે. અત્યાર સુધીમાં આ ભીષણ આગમાં લગભગ 847 હેક્ટર જમીન બળી ગઈ છે. જ્યારે સાંચિયોંગ વિસ્તારના લગભગ 260 રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. ગૃહ અને સુરક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર દક્ષિણપૂર્વીય શહેર ઉલ્સાન અને પડોશી ગ્યોંગસાંગ પ્રાંતમાં જંગલમાં લાગેલી આગને કારણે શનિવારે લગભગ 620 લોકોને તેમના ઘર છોડીને આશ્રયસ્થાનોમાં આશરો લેવાની ફરજ પડી હતી.

દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે
દક્ષિણ કોરિયાએ આગ સામે લડવા માટે સંસાધનો એકત્રિત કરવાના માર્ગ તરીકે દેશના દક્ષિણી પ્રદેશોમાં આપત્તિની સ્થિતિ જાહેર કરી છે અને સાન્ચેઓંગને એક ખાસ આપત્તિ ક્ષેત્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વાઘોડિયાના પાંચ દેવલા ગામે GRD જવાનની દારૂની મહેફિલ પર રેડ, 6ની ધરપકડ

આ આગ એવા સમયે ફેલાઈ છે જ્યારે દક્ષિણ કોરિયા દાયકાઓમાં સૌથી મોટી રાજકીય ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે ટૂંકા ગાળાના માર્શલ લોની જાહેરાત કર્યા પછી કટોકટી શરૂ થઈ. હાલમાં નાણામંત્રી ચોઈ સાંગ-મોક કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે.