દિલ્હીમાં આજે થશે ચૂંટણીની તારીખની જાહેરાત, ચૂંટણી પંચ બપોરે 2 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ

Delhi: દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત આજે (મંગળવારે) બપોરે 2 વાગ્યે થશે. ચૂંટણી પંચ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. 2020માં ચૂંટણીની જાહેરાત 6 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને 11 ફેબ્રુઆરીએ મતોની ગણતરી કરવામાં આવી હતી.
દિલ્હીની ચૂંટણી એક જ તબક્કામાં યોજાય તેવી શક્યતા છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહની આસપાસ ચૂંટણી યોજાઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની દેખરેખ હેઠળ આ છેલ્લી ચૂંટણી હોઈ શકે છે. તેઓ 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થવા જઈ રહ્યા છે.
ચૂંટણીની જાહેરાત બાદ દિલ્હીમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP)ની નજર હેટ્રિક પર છે. તેણે 2015 અને 2020ની ચૂંટણીમાં 67 અને 62 બેઠકો સાથે જીત મેળવી હતી. ભાજપ છેલ્લી બે વિધાનસભાઓમાં 10 બેઠકો પણ જીતી શકી નથી. દિલ્હીમાં મુકાબલો ત્રિકોણીય છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે.
આ પણ વાંચો: ભારતમાં મોટા બાળકો પર પણ HMPVનો કહેર, નાગપુરમાં 13 વર્ષની છોકરી અને 7 વર્ષનો છોકરો સંક્રમિત
દિલ્હીમાં કેટલા મતદારો છે?
ચૂંટણી પંચે સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી, જેમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો નોંધાયેલા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 84 લાખ 49 હજાર 645 પુરૂષ મતદારો છે જ્યારે 71 લાખ 73 હજાર 952 મહિલા મતદારો છે. 18-19 વર્ષની વયના 2.08 લાખ યુવાનો પ્રથમ વખત મતદાન કરશે.