October 12, 2024
પહેલાં ઓફર, પછી ટોર્ચર
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

Expert Opinion: ટેક્નોલોજી આપણા જીવનમાં અનેક સુવિધા લાવી છે. બીજી તરફ અપરાધીઓ માટે પણ અપરાધ કરવાની સુવિધા વધી ગઈ છે. એટલા માટે જ સાઇબર ક્રાઇમ્સ વધ્યા છે. તમે હની ટ્રેપ અને ક્રિપ્ટો કાંડ જેવા અપરાધો વિશે અવારનવાર સાંભળતા રહેતા હશો. જો તમે આવા અપરાધોથી બચી ગયા છો તો તમે લકી છો. આ અપરાધો સરહદ પારથી થાય છે. ભારતીયો જ આ ફ્રોડ કરી રહ્યા છે. જોકે, ભારતીયો ફ્રોડ કરવા માટે મજબૂર છે. સવાલ એ છે કે, આ ભારતીયોને ફ્રોડ કરવા માટે કોણ મજબૂર કરે છે ? તેમજ ચીનની સાથે આવા ફ્રોડનું શું કનેક્શન છે ?

જો તમને કે તમારા IT પ્રોફેશનલ દીકરાને વિદેશી કંપની તરફથી નોકરી માટે ઓફર મળી હોય તો જરા સંભાળજો. પૂરતી ચકાસણી કરજો. ખાસ કરીને જો તમને થાઇલેન્ડ, મ્યાનમાર, કમ્બોડિયા કે લાઓસ જેવા દેશોમાંથી જોબ ઓફર મળે તો જરૂર ચેતી જજો. આ જોબ ઓફરથી તમારા માટે એક જાળ બિછાવવામાં આવી હોય શકે છે. જેનું સીધું કનેક્શન ચીનની સાથે છે.

સૌથી પહેલાં અમે ઓફરની વાત કરીશું અને એ પછી ટોર્ચરની વાત. ઠગાઈની મોડસ ઓપરેન્ડીને તમે સમજો. વ્યક્તિના મેઇલ એડ્રેસ પર એક મેઇલ આવે કે પછી વોટ્સએપ પર એક મેસેજ આવે છે. ખાસ કરીને IT પ્રોફેશનલ્સને ટાર્ગેટ કરવામાં આવે છે. ઓફર લેટરમાં મસમોટા પગારની રકમ લખી હોય છે. પગાર જોઈને સ્વાભાવિક રીતે પ્રોફેશનલ લલચાઈ જાય. તેઓ બેગ પેક કરવા લાગે છે. IT પ્રોફેશનલ્સ સિવાય વિદ્યાર્થીઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપની લાલચ આપવામાં આવે છે. બેઝિકલી ડિજિટલ ટેક્નોલોજી કે સોશિયલ મીડિયાની જાણકારી ધરાવતા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે.

આવી ફેક જોબ ઓફરની ઓળખ કરવી મુશ્કેલ છે. કેમ કે, આ જોબ ઓફરમાં વેબસાઇટ સહિત કંપનીની ઓફિસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. વેબસાઇટ જોતા ફેક કંપની હોવાનો ખ્યાલ જ ના આવે. વળી, વેબસાઇટ પર કોન્ટેક્ટ નંબર પણ હોય છે. જે અમેરિકા અને યુરોપના દેશોના નંબર હોય છે. જોબ ઓફર મેળવનારી વ્યક્તિ એ ફોન નંબર પર કોલ કરીને તપાસ કરે તો પણ તેને ખ્યાલ ના આવે. આ કોલ્સ ડાઇવર્ટ થતા હોય છે અને આખરે મ્યાનમાર, કમ્બોડિયા કે લાઓસની ફેક્ટરીમાંથી જ ઠગબાજો એનો જવાબ આપે છે. એટલે એક વખત વ્યક્તિને જોબ ઓફર વિશે ખાતરી થઈ જાય એ પછી તેની પાસેથી વિઝા પ્રોસેસિંગના નામે થોડા રૂપિયા પડાવવામાં આવે છે.

જોબ કરવાનું લોકેશન અમેરિકા, યુરોપ કે દુબઈ લખવામાં આવ્યું હોય તો પણ વ્યક્તિને સૌથી પહેલાં થાઇલેન્ડ બોલાવવામાં આવે છે. કેટલાક કેસીસમાં જોબ કરવાનું સ્થળ થાઇલેન્ડ લખેલું હોય છે. ઊંચાં પગારનું સપનું જોઈ રહેલી વ્યક્તિ ખૂબ જ ખુશ થઈ જાય છે. તે આંખોમાં સપનાં આંજીને થાઇલેન્ડમાં પહોંચે છે. તેને કહેવામાં આવ્યું હોય છે કે, થાઇલેન્ડમાં એરપોર્ટની નજીકની જ હોટેલમાં રોકાણ હશે.
જોકે, પીડિત થાઇલેન્ડમાં એરપોર્ટ પર પહોંચે કે તરત જ તેને રીસિવ કરવા માટે બેથી ત્રણ માણસો આવી જાય છે. આ લોકો પીડિતનો ફોન અને પાસપોર્ટ બંને પોતાની પાસે રાખે છે. પીડિતને એક કારમાં બેસાડવામાં આવે છે. આસપાસની કોઈ હોટેલમાં તેમને લઈ જવાતા નથી. બલકે, કારમાં કલાકો સુધીની મુસાફરી કરાવાય છે. કારમાં બેસેલા ભારતીયને ખ્યાલ જ નથી આવતો કે, તેને ક્યાં લઈ જવાય છે. તે ડરવા લાગે છે.

વ્યક્તિને થાઇલેન્ડ અને મ્યાનમારની બોર્ડર પર લઈ જવાય છે. બંને દેશોની સીમા વચ્ચેથી પસાર થતી નદીમાં બોટમાં બેસાડીને મ્યાનમારમાં લઈ જવાય છે. મ્યાનમારમાં પહોંચતાની સાથે જ પીડિત વ્યક્તિઓને એક વિશાળ કોમ્પ્લેક્સમાં લઈ જવાય છે. હવે, પીડિતને ખાતરી થઈ જાય છે કે, તે બચી નહીં શકે. પીડિત વ્યક્તિઓને એક વિશાળ કેમ્પસમાં લઈ જવાય છે. જેની ચારેબાજુ 10 ફૂટ ઊંચી દીવાલો હોય છે. બહાર હાથમાં બંદૂક લઈને ગાર્ડ્સ ઊભા હોય છે. આ કેમ્પસની અંદર પગ મૂકતાં જ ચારેબાજુ ગાર્ડ્સને જોઈને પીડિત વ્યક્તિ ડરી જાય છે. ઉપરાંત ચારેબાજુ સીસીટીવી કેમેરા પણ હોય છે. એટલે વ્યક્તિ આ કેમ્પસમાંથી છટકીને ભાગી જાય એવી કોઈ જ શક્યતા ના રહે.

આવી ફેક્ટરીઓમાં લોકોને સાઇબર ગુલામ બનાવી દેવામાં આવે છે. એક જ ફેક્ટરીમાં એક સાથે 25થી 30 હજાર લોકો કામ કરતા હોય છે. એકલા મ્યાનમારમાં જ આવી તો હજારો ફેક્ટરીઓ આવી છે. જ્યાં લોકોને સાઇબર ગુલામ બનાવવામાં આવ્યા છે. એ સિવાય સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં પણ આવી જ ફેક્ટરીઓ છે.

થાઇલેન્ડ સિવાય અનેક લોકોને સીધા જ કમ્બોડિયા અને લાઓસમાં પણ લઈ જવાય છે. અહીં પણ આવો જ ખેલ કરાય છે. એક વખત વ્યક્તિ કમ્બોડિયા અને લાઓસ પહોંચે એટલે તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવે છે. તેને કેદ કરી લેવામાં આવે છે. હવે, કેદ કરવામાં આવેલી વ્યક્તિઓની સાથે શું થાય છે એ પણ સમજવું જરૂરી છે. આવા લોકોને પહોંચતાની સાથે જ એક મેન્યુઅલ આપી દેવામાં આવે છે. જેમાં કેવી રીતે સાઇબર અપરાધો કરવા એની પૂરેપૂરી વિગતો હોય છે. ડેટિંગ એપ પર પુરુષોને કેવી રીતે ફસાવવા તેમજ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની લાલચ આપીને કેવી રીતે લોકોને ફસાવવા એની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. એક વિશાળ ફેક્ટરીની જેમ તેમને પહેલાં ટ્રેનિંગ અપાય છે.

અહીં બે રીતે ફ્રોડ થાય છે. પહેલાં તો ડેટિંગ એપ દ્વારા પુરુષોને ફસાવી દેવામાં આવે છે. તેમની પાસેથી રીતસર રૂપિયા કઢાવવામાં આવે છે. એક બીજી રીત પણ છે. આવા લોકોને ડેટિંગ એપના આધારે રોજેરોજ ડેટા મેળવવાની કામગીરી પણ આપવામાં આવે છે. આ લોકોને ફેસબુક પર એક ID આપવામાં આવે છે. જ્યાં પુરુષો યુવતીઓ બનીને ભારતમાં રહેતા પુરુષોની સાથે ફ્રેન્ડશિપ કરે છે. 10થી 15 દિવસ સુધી ચેટિંગ કરવામાં આવે છે. આ રીતે ભારતમાં રહેતા લોકોનો પૂરેપૂરો ડેટા મેળવવામાં આવે છે. જેમ કે, વ્યક્તિની આવક શું છે, પ્રોફેશન શું છે અને તે ક્યાં રહે છે એ તમામ વિગત મેળવવામાં આવે છે. આ ડેટાનું બાદમાં પ્રોસેસિંગ થાય છે. જેના પછી ફ્રોડનો બીજો તબક્કો શરૂ થાય છે. આ ડેટાના આધારે ચોક્કસ વ્યક્તિઓની પસંદગી થાય છે. હવે, આ લોકોને ક્રિપ્ટો કાંડ અને ઓનલાઇન બેટિંગમાં ફસાવવામાં આવે છે. આ રીતે તેમની પાસેથી મોટી રકમની છેતરપિંડી કરવામાં આવે છે.

સાઇબર ઠગબાજો દ્વારા ભારતીયોને મ્યાનમાર, લાઓસ અને કમ્બોડિયા જેવા દેશોમાં સાઇબર ગુલામ બનાવીને રાખવામાં આવે છે. જોકે, ભારતીયો સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ અને ફિલિપાઇન્સના લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. ટાર્ગેટ કરવાની વાત છે તો આવા પીડિત લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે. બે પ્રકારના ટાર્ગેટ હોય છે. એક તો ડેટા મેળવવાનો. એટલે કે દિવસના ચારથી પાંચ જણનો ડેટા મેળવવાનો ટાર્ગેટ હોય છે. અથવા તો ક્રિપ્ટો કાંડ કે ઓનલાઇન બેટિંગ કે હની ટ્રેપમાં ફસાવીને દિવસના પાંચથી છ લાખ રૂપિયા કલેક્ટ કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. સાઇબર ગુલામો આ ટાર્ગેટ અચિવ ના કરે તો તેમને જમવાનું પણ આપવામાં આવતું નથી. એટલું જ નહીં ઇલેક્ટ્રિક કરંટ પણ આપવામાં આવે છે. 10-10 કિલોમીટર દોડાવવામાં આવે છે. એટલે જ ટાર્ગેટને અચિવ કરવા માટે સાઇબર ગુલામો દિવસના 16થી 17 કલાક કામ કરતા હોય છે. તેમને તેમના રૂમમાંથી બહાર જવાની પણ પરમિશન આપવામાં આવતી નથી. ઠગબાજોના આદેશનું પાલન ન કરનારને મારવામાં આવે છે. કેટલાક કેસમાં હત્યા પણ કરવામાં આવે છે.

ઠગબાજો બીજા લોકોને ફસાવવા માટે આવા સાઇબર ગુલામોને ઇન્સેન્ટિવ આપે છે. જેમ કે, એક ગુલામ ભારત કે શ્રીલંકામાંથી કોઈ યુવાનને ફસાવે તો તેને 300 ડૉલર એટલે કે, લગભગ 25 હજાર રૂપિયા આપવામાં આવે છે.  તમે કહેશો કે, કેદમાં રહેલી વ્યક્તિ રૂપિયાનું શું કરી શકે ? વાસ્તવમાં આ વિશાળ કેમ્પસમાં રેસ્ટોરાં હોય છે. જ્યાં તે સારું ભોજન માણી શકે છે. એ સિવાય તેને બીજી કેટલીક સુવિધાઓનો લાભ અપાય છે.

ભારતમાં જ રહીને ઇમિગ્રેશન ઓફિસ ખોલીને ફસાવનારા લોકોને પણ મોટી રકમ આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં એક NGOને ટાંકીને આ વાત જણાવવામાં આવી છે. આ કમ્પાઉન્ડમાં કેદ પીડિતોને ફિઝિકલી અને સાઇકોલોજિકલી એમ બંને રીતે બહારની દુનિયાથી અલગ કરી દેવામાં આવે છે. અહીં એક સાઇબર ગુલામ બીજા સાઇબર ગુલામની સાથે વાત ના કરી શકે. આ સાઇબર ગુલામોને માનસિક રીતે તોડી પાડવામાં આવે છે. ઘણા બધા લોકો આવી કેદથી છૂટી શક્યા છે. જેના માટે જુદા-જુદા દેશોની સરકારો પોતાની રીતે પોતાના નાગરિકોને છોડાવે છે. બીજી પણ એક રીતે અહીંથી લોકો છૂટી શકે છે. અહીંથી છૂટવા માટે વ્યક્તિ પાસેથી મોટી રકમ માગવામાં આવે છે. લગભગ 10 લાખ રૂપિયા જેટલી રકમના બદલામાં આ ઠગબાજો વ્યક્તિને છોડી દે છે. એટલે કે, એક રીતે અપહરણ કરવામાં આવે છે.

આખા કાંડ પાછળ ચીન જવાબદાર છે. મ્યાનમારના શાસકો ચીનની કઠપૂતળી જેવા છે. જેના કારણે જ મ્યાનમારમાં ચીનના ઠગબાજોને છૂટો દોર મળ્યો છે. આ ફ્રોડ ફેક્ટરીઓમાંથી બહાર આવનારા લોકોએ જણાવ્યું છે કે, આ ફેક્ટરીઓની બહાર મ્યાનમારના બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો હોય છે. એટલે કે, મ્યાનમારની મિલિટરી ઓથોરિટી પણ એમાં સંડોવાયેલી છે. એટલું જ નહીં થાઇલેન્ડ અને લાઓસના શાસકોની સાથે પણ ચીનના આ ઠગબાજોનું કનેક્શન છે. વળી, આ ચાઇનીઝ ઠગબાજોનું સીધું કનેક્શન જિનપિંગની પાર્ટીની સાથે છે. એટલે કે, આખું રેકેટ ચીનની ઓથોરિટી જ ચલાવતી હોય એમ સ્પષ્ટ જણાય છે.

કોરોનાની મહામારી પહેલાં આ ચાઇનીઝ ગેંગ મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસ સહિત અનેક દેશોમાં ગેરકાયદે કેસિનો ચલાવતી હતી. જ્યાં એક રીતે લોકોને લૂંટવાનું કામ જ થતું હતું. જોકે, કોરોનાની મહામારીના કારણે ટ્રાવેલિંગ પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. જેના કારણે આવી અનેક ગેંગ સાઇબર કૌભાંડો તરફ વળી. જેના માટે તેમને માત્ર કોમ્પ્યૂટરની જ જરૂર હતી. વળી, એક વિશાળ ફેક્ટરીની જેમ કૌભાંડ કરવા માટે લોકોની જરૂર હતી. આ લોકોને તેઓ જોબ કે ઇન્ટર્નશિપની લાલચ આપીને મ્યાનમાર, લાઓસ કે કમ્બોડિયામાં લઈ જતા હતા.

સાઇબર ગુલામીના એક ચાઇનીઝ કનેક્શન વિશે અમે તમને જણાવીશું. જેનાથી તમને ખ્યાલ આવશે કે, આખા નેટવર્ક પાછળ ચીન જ રહેલું છે. મ્યાનમારમાં એક વિશાળ કેકે પાર્કમાં આ પ્રકારની ફ્રોડ ફેક્ટરીઓ આવી છે. આવી ફ્રોડ ફેક્ટરીઓમાંથી રૂપિયા આખરે થાઇલેન્ડમાં રહેતા ચીનના બિઝનેસમેન વેંગ યી ચેંગની પાસે જાય છે. અહીંથી તે અબજો રૂપિયા ચીનમાં પહોંચાડે છે. વેંગની જેમ અનેક ચાઇનીઝ લોકો આ પ્રકારના નેટવર્કમાં સામેલ છે. આ નેટવર્કમાં જોડાયેલા તમામ લોકો હોંગેમેન કલ્ચર એક્સચેન્જ સેન્ટરની સાથે જોડાયેલા છે.

આ સેન્ટરનો ચીફ વેન કુઓક છે. જેને બ્રોકન ટુથ કહેવામાં આવે છે. હવે, વેન ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવને પ્રમોટ કરે છે. એટલે કે, તમે સમજો એક પછી એક કડી જોડાઈને આખરે વાત જિનપિંગની ઓથોરિટી સુધી પહોંચે છે. હવે, ચીનની સાથેના બીજા કનેક્શનની વાત કરીશું. જેનાથી ચીનની ફજેતી પણ થઈ હતી. આ વિશાળ કેકે પાર્કમાં ફ્રોડ ફેક્ટરીઓ આવી છે એનો વિકાસ ચીને જ કર્યો છે. ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના ભાગરૂપે જ એ વિસ્તારનો વિકાસ થયો છે. એટલે કે, આખી ફ્રોડ ફેક્ટરીઓનું કન્સ્ટ્રક્શન પણ ચીને જ કર્યું હોવાની શક્યતા નકારી ના શકાય. આ કેકે પાર્કમાં ફ્રોડ ફેક્ટરીઓ ચાલતી હોવાની વિગતો બહાર આવી એના પછી ચીને ખુલાસો કરવો પડ્યો હતો. ચીને કહેવું પડ્યું હતું કે, કેકે પાર્કની સાથે એને કોઈ જ નિસ્બત નથી.

મ્યાનમાર તો ચીનની જ ચાલ ચાલે છે. બીજી તરફ થાઇલેન્ડ, કમ્બોડિયા અને લાઓસમાં કેટલાક ભ્રષ્ટ નેતાઓ ચાઇનીઝ ગેંગને આવી ફ્રોડ ફેક્ટરીઓ ચાલુ રાખવામાં પૂરેપૂરી મદદ કરી રહ્યા છે. ચીન તરફથી આવા ભ્રષ્ટ નેતાઓને મોટી રકમ આપવામાં આવે છે. એટલે જ તો આ દેશોમાં પણ સહેલાઈથી ફ્રોડ ફેક્ટરીઓ ચાલી રહી છે.

આ ફ્રોડ ફેક્ટરીઓના ટાર્ગેટ પર ભારતીય નાગરિકો છે. જે સ્વાભાવિક પણ છે. કેમ કે, ભારતમાં IT સ્કિલ્સ ધરાવતા મોટી સંખ્યામાં યુવાનો છે. સાઇબર ક્રાઇમ કરવા માટે ડિજિટલ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાની જાણકારી જરૂરી છે. એટલા માટે જ ભારતીય યુવાનોને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ માત્ર મ્યાનમારમાં જ ફ્રોડ ફેક્ટરીઓમાં અંદાજે 1.20 લાખ લોકો ફસાયા છે. એ સિવાય કમ્બોડિયા અને લાઓસ જેવા દેશોમાં એક લાખ જેટલા લોકો ફસાયા છે.

ફ્રોડ ફેક્ટરીઓના કારણે આખરે ભારતીયો જ પરેશાન થાય છે. સ્વાભાવિક રીતે ફ્રોડ ફેક્ટરીઓમાં ગુલામ બનેલા ભારતીયોની દશા તો ખરેખર દયનીય હોય છે. જોકે, બીજી તરફ તેમના ટાર્ગેટ પર રહેલા ભારતીયોની સ્થિતિ પણ ખરાબ થઈ જાય છે. આ પ્રકારની ઠગાઈના કારણે અનેક લોકો તેમની જિંદગીભરની મૂડી ગુમાવે છે. જેમાંથી અનેક લોકો આપઘાત પણ કરી લે છે. આ સમસ્યા ખૂબ જ ગંભીર છે. આવી ફ્રોડ ફેક્ટરીઓમાં મોટા ભાગે છોકરાઓ જ ફસાયા છે. જોકે, અનેક મહિલાઓ પણ ફસાઈ છે. આવી મહિલાઓ કામ ના કરે તો તેમને બળાત્કારની ધમકી આપવામાં આવે છે. આવી મહિલાઓને અનૈતિક કામગીરીમાં પણ ધકેલવામાં આવી રહી છે. કેટલાક પીડિતોને અંગો કાઢી નાંખવાની પણ ધમકી આપવામાં આવે છે. આ ઠગબાજો AIનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. તેઓ પીડિતોની સાથે વાતચીત માટે અનુવાદ માટેના ટુલ્સનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

આવી ફ્રોડ ફેક્ટરીઓની પાસે સ્વાભાવિક રીતે લોકોને ફસાવવા માટે મોબાઇલ ફોન તો હોય જ છે. ક્યારેક ફસાયેલા સાઇબર ગુલામો તકનો લાભ લઈને ભારતમાં પોતાના પરિવારજનોને કોલ કરે છે. જેના લીધે તેમના લોકેશનનો ખ્યાલ આવી જાય છે. આવા પરિવારજનો આખરે પોલીસ અને નેતાઓને રજૂઆત કરે છે. મામલો વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સુધી પહોંચે છે. જેના પછી આવા લોકોને છોડાવવા માટે ત્રણ રીતે એક્શન લેવાય છે. ભારત સરકાર કમ્બોડિયા સહિતના વિદેશોની ઓથોરિટીની સાથે વાત કરે છે. ભારતના પ્રેશરના કારણે આ દેશો ભારતીયોને મુક્ત કરવા માટે એક્શન લે છે. ઇન્ટરપોલ જેવાં આંતરરાષ્ટ્રીય સંગઠનોની મદદથી પણ ભારત ફ્રોડ ફેક્ટરીઓ ચલાવતા દેશો પર પ્રેશર કરે છે.

ભારતની એજન્સી વિદેશોમાંથી સાઇબર ગુલામોને છોડાવવા માટે જે-તે દેશની એજન્સી સાથે મળીને રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડે છે.
અમે તમને આ પહેલાં જણાવ્યું હતું કે, અનેક ભારતીયો પોતાના પરિવાર પાસેથી ઠગબાજોને રૂપિયા અપાવીને છૂટી જાય છે. આવા લોકોને મ્યાનમારની કેદમાંથી થાઇલેન્ડમાં મોકલી દેવામાં આવે છે. જોકે, આ મિલીભગતના કારણે આ લોકોને થાઇલેન્ડના ઇમિગ્રેશન સેન્ટરમાં લઈ જવાય છે. અહીં પણ ભારતીયો પાસેથી રૂપિયા કઢાવવાનો ખેલ શરૂ થઈ જાય છે. જેના માટે તેમને ખૂબ માર મારવામાં આવે છે. તેમને સ્થાનિક ભાષામાં લખાણ પર સાઇન કરવાની ફરજ પાડવામાં આવે છે અને આખરે ગેરકાયદે એન્ટ્રી કરવા બદલ સજા કરવામાં આવે છે. એટલા માટે જ ચેતી જવાની જરૂર છે.

ભારત સરકાર વખતોવખત એડ્વાઇઝરી ઇશ્યૂ કરે છે. જેમાં ભારતના યુવાનોને વિદેશોમાંથી મળતી જોબ ઓફર્સને સ્વીકારતાં પહેલાં ખૂબ વિચાર કરવા જણાવવામાં આવે છે. આવી ફ્રોડ ફેક્ટરીઓથી બચવા માટે જાગૃત્તિ જરૂરી છે. અત્યારે દરેક જણની પાસે સ્માર્ટ ફોન છે. આમ છતાં પણ ઠગબાજો વધારે સ્માર્ટ પુરવાર થઈ રહ્યા છે. આવી ફ્રોડ ફેક્ટરીઓમાં ડેટિંગ એપ્સ અને ક્રિપ્ટો કાંડ સિવાય ભારતનાં બાળકો અને યુવાનોને પણ ટાર્ગેટ કરવામાં આવે છે.

બાળકો અને યુવાનોને ગેમ્સ એપ્સ પર ફસાવવામાં આવે છે. તેમને પહેલાં જીતાડવામાં આવે છે. વધુ જીતવાં માટે તેમને વધારે રૂપિયાની જરૂર પડે છે. માતા-પિતા રૂપિયા ના આપે તો તેઓ ઘરે ચોરી કરવા લાગે છે. આખરે તેઓ લાખો રૂપિયા ગુમાવે છે. જેના લીધે ક્યારેક મામલો આત્મહત્યા સુધી પહોંચી જતો હોય છે. એટલા માટે જ તેમને બચાવવા ખૂબ જ જરૂરી છે.

ભારતમાં સાઇબર ક્રાઇમ્સની સમસ્યાનો સામનો કરવો થોડોક મુશ્કેલ છે. ભારતમાં અપરાધોને અટકાવવાની જવાબદારી દરેક રાજ્યની છે. જેના લીધે એકથી વધુ રાજ્યોમાં સાઇબર ક્રાઇમની જાળ ફેલાઈ હોય કે પછી વિદેશોમાં એના મૂળિયા હોય તો તપાસ કરવી મુશ્કેલ થઈ જાય છે. અપરાધીઓ જાણે છે કે, રાજ્યની પોલીસ માટે તેમના કાર્યક્ષેત્રની બહાર તપાસ કરવી મુશ્કેલ રહેશે. ધારો કે, સાઇબર ક્રાઇમ ગુજરાતમાં થયો હોય, પરંતુ અપરાધીઓ દિલ્હી કે બિહારમાં રહેતા હોય તો લોકલ પોલીસ માટે તપાસ કરવી મુશ્કેલ થઈ જાય છે. વળી, આ અપરાધ તો સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં થાય છે.

સાઉથ ઇસ્ટ એશિયાના મોટા ભાગના દેશોમાં ખુલ્લી સરહદો છે. એટલે કે, એક દેશમાંથી વ્યક્તિ બીજા દેશમાં સરળતાથી જઈ શકે છે. ધારો કે, થાઇલેન્ડની સરકાર એક્શન લે તો પણ સાઇબર લૂંટારુઓ મ્યાનમારમાં ભાગી જાય છે. વળી, મ્યાનમારમાં તો સાઇબર અપરાધો પર ધ્યાન જ અપાતું નથી. જેના કારણે આખરે ભારત સરકારે જ એક્શન લેવી પડે છે. જોકે, સરકારોએ એક્શન લેવી પડે એના કરતાં તો ભારતના લોકો જ થોડીક કાળજી રાખે તો આવા લૂંટારુઓથી બચી શકાય છે. તમારે આટલી કાળજી લેવી જોઈએ.

ગૂગલ કે ફેસબુક પરની જાહેરાતો પર આંધળો ભરોસો ના મૂકો.
ખૂબ જ વધારે રિટર્ન આપતી રોકાણની યોજનાઓ બાબતે કાળજી રાખો.
જોબ ઓફર મળે તો કંપનીની ખરાઈ કરો. સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ અને આંતરરાષ્ટ્રીય જાસૂસોની મદદ મેળવો.
અજાણી વ્યક્તિ કે કંપનીઓની સાથે ટ્રાન્ઝેક્શન્સ ના કરો.
ડેટિંગ એપ્સ પર ચેટિંગમાં બેંક એકાઉન્ટ જેવી વિગતો ના આપો.
એપ્સ જાતજાતની પરમિશન્સ માગતી હોય છે. પરમિશન્સ આપતી વખતે કાળજી રાખજો.
અજાણ્યા સોર્સીસથી એપ્સ ડાઉનલોડ ના કરો.

ફોટો ગેલેરીમાં આધાર કે પાન કાર્ડની તસવીરો જેવી વ્યક્તિગત માહિતી ના રાખો. આવો ડેટા રાખવા ડિજિલોકરનો ઉપયોગ કરો.
ચીન દ્વારા ચલાવવામાં આવતી ફ્રોડ ફેક્ટરીઓ વાસ્તવમાં દુનિયામાં કનેક્ટિવિટીનું ભયાનક પરિણામ છે. નિર્દોષ ભારતીયો સહિત આખી દુનિયાના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. સારી જોબથી સારી જિંદગીની આશામાં લોકો વિદેશની ધરતી પર પગ મૂકે છે, પરંતુ દુસ્વપ્નની શરૂઆત થઈ જાય છે. આવા દુસ્વપ્નથી બચવા માટે તમારે અચૂક કાળજી રાખવી જોઈએ. કેમ કે, એકલી સરકાર આ લડાઈ ના લડી શકે. તમારા સહકાર અને સાથે સતર્કતાની પણ જરૂર છે.