October 13, 2024

રોહિત શર્મા બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન, સામે આવ્યા નામ

આ વખતે ભારતે રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ટી-20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું હતું. ટાઈટલ જીત્યા બાદ રોહિત શર્માએ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જોકે, રોહિત હજુ પણ વન-ડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. જો કે રોહિતે કહ્યું છે કે તે વધુ રમવા માંગે છે પરંતુ તેની ઉંમરને જોતા રોહિત ક્રિકેટમાં તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે.

હવે સવાલ એ ઊભો થાય છે કે રોહિત બાદ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન કોના હાથમાં આવશે. જોકે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતા જોવા મળ્યા છે. પરંતુ હવે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ એવા બે ખેલાડીઓના નામ જાહેર કર્યા છે જે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બની શકે છે.

દિનેશ કાર્તિકે 2 નામ આપ્યા
જ્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકને ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમના ભાવિ કેપ્ટન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ક્રિકબઝ પર વાત કરતા કહ્યું, બે ખેલાડીઓના નામ સીધા મારા મગજમાં આવે છે. જેઓ યુવા છે અને ક્ષમતા ધરાવે છે તેઓ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે છે. આગળ કાર્તિકે જવાબ આપ્યો, પહેલો રિષભ પંત અને બીજો શુભમન ગિલ.

કાર્તિકનું કહેવું છે કે તે બંને ખેલાડીઓ આઈપીએલમાં કેપ્ટનશીપ કરે છે. જ્યારે શુભમન ગિલ ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. મને લાગે છે કે સમય જતાં તેને ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનવાની તક મળશે.

તમને જણાવી દઈએ કે, શુભમન ગિલ દુલીપ ટ્રોફી 2024માં પણ કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેને ભારત A ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અગાઉ શ્રીલંકા પ્રવાસ દરમિયાન ગિલને વન-ડે અને ટી-20 બંને શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રોહિત શર્મા બાદ ગિલ ભવિષ્યમાં ભારતીય ટીમનો કેપ્ટન બની શકે છે.