September 27, 2024

બનાસકાંઠાની પાણીની સમસ્યાનું થશે નિવારણ, CM પટેલના હસ્તે જુથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: સરહદી જિલ્લા બનાસકાંઠાના ડીસાના આખોલ ખાતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 633 કરોડના ખર્ચે નિર્મિત જુથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરાયું, જ્યાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવાળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના થકી ડીસા-લાખણી-કાંકરેજ-દિયોદર અને તાલુકાના કુલ 192 ગામ અને થરા શહેરના અંદાજે આઠ લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે જેને લઈને પીવાના પાણીની તંગી ભોગવતા લોકોમાં ખુશી ફેલાઈ છે.

સૂકો ભઠ ગણાતો સરહદી જિલ્લો બનાસકાંઠા હમેશા પાણીની તંગી ભોગવી રહ્યો છે. પહેલા તો સિંચાઈના પાણીની તંગી હતી. પરંતુ, થોડા સમયથી જિલ્લાના અનેક પંથકોમાં પીવાના પાણીની સમસ્યા ઉદભવી હતી. તેમાંય ડીસા તાલુકાના 51 ગામો, લાખણી તાલુકાના 37 અને અમીરગઢ તાલુકાના 68 ગામો પાતાળ કુવા આધારીત, સ્વતંત્ર બોર આધારીત, યકિતગત પાણી પુરવઠા યોજના મારફત પાણી મેળવી રહ્યા હતા. આ ગામોના પાતાળકુવાઓના પાણીનાદિન-પ્રતિદિન નીચા ઉતરતા જતાં તેમજ પાણીના દ્રવ્ય ક્ષારો જેવાં કે ફલોરાઇડ, નાઇટ્રેટ તથા સેલીનીટીનું પ્રમાણ વધુ હોઇ તેમજ વર્ષોવર્ષ ઓછા વરસાદના કારણે ભુગર્ભ જળના તળ નીચે જવાથી તેમજ પાણી ગુણવત્તાયુકત ન હોઇ ગુજરાત સરકાર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ કરોડો રૂપિયાના ખર્ચે બે પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ હતી.

ગુજરાત સરકાર દ્વારા થરાદની નર્મદા મુખ્ય નહેર પરના દેવપુરા-વાવ ખાતેના હયાત ઓફટેક આધારીત ડીસા, લાખણી અને અમીરગઢ તાલુકાના ગામોની જુથ પાણી પુરવઠા યોજના ફેઝ-1 થી 5 અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ 2020માં તૈયાર કરવામાં આવી હતી. જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જુથ પાણી પુરવઠા યોજના ફેઝ -1 થી 4નું તેમજ રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કુલ રૂપિયા 633 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે યોજનાઓનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુધ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે. પાણી પુરવઠાની બે યોજનામાં નર્મદા કેનાલના પૂર્વ ભાગમાં આવેલ કુલ 192 ગામના 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું પાણી વિતરણ કરવામાં આવશે. આ બંને યોજના માટે કુલ 5 ફેઝની કામગીરીનું આયોજન પૂર્ણ કરાયું છે. જો કે સરકાર દ્વારા થરાદથી અમીરગઢ સુધીના ગામડાઓમાં વિષમ પરિસ્થિતિમાં પણ પાણી પહોંચડતા અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા હલ થતા તેમજ શુદ્ધ પીવાનું પાણી મળતાં લોકોમાં પણ ખુશી ફેલાઈ છે.

દેવપુરા ઓફ્ટેક યોજના

  • આગથળા ખાતે 29 એમ. એલ. ડી જળ શુધ્ધીકરણ પ્લાન્ટ
  • આખોલ 50 એમ. એલ. ડી જળ શુધ્ધીકરણ પ્લાન્ટ
  • 208. 57 કિલોમીટર લાંબી મેટાલિક પાઇપ
  • 360. 53. કિલોમીટર લાંબી નોન મેટાલિક પાઇપ
  • હેડ વર્કસ ખાતે 5. 92 કરોડ લીટર ક્ષમતાવાળા
  • 10 ભૂગર્ભ સંપ
  • હેડ વર્કસ ખાતે કમ્પાઉન્ડ વોલ અને સર્વિસ રોડ
  • ઓપરેટિંગ યુનિટ અને સિક્યુરિટી કેબિન

રાણકપુર ઓફ્ટેક યોજના

  • 57. 81 કિલોમીટર લાંબી રાઇઝિંગ મેઈન પાઇપલાઇન
  • 207. 3 કિલોમીટર લાંબી ડિસ્ટ્રીબ્યુશન ગ્રેવીટી પાઇપલાઇન
  • 1. 46 કરોડ લીટરની ક્ષમતાવાળા પાંચ ભૂગર્ભ સંપ
  • યોજના તળે જુદા જુદા હેડ વર્કસ પમ્પિંગ મશીનરી
  • કમ્પાઉન્ડ વોલ, સર્વિસ રોડ, સ્ટાફ ક્વાર્ટરની સુવિધાઓ