December 11, 2024

ISKCON: ચિન્મય દાસ બાદ વધુ એક હિંદુ પુજારીની ધરપકડ કરવામાં આવી

Bangladesh Chinmay Krishna Das: બાંગ્લાદેશમાં ઇસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના થોડા દિવસો પછી, આજે બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં ફરી અન્ય એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો, ધરપકડ કરાયેલા પૂજારીની ઓળખ શ્યામ દાસ પ્રભુ તરીકે થઈ છે, જે ચિન્મય કૃષ્ણદાસ દાસને જેલમાં મળવા ગયા હતા.

સૂત્રોનું માનીએ તો શ્યામ દાસ પ્રભુની કોઈપણ સત્તાવાર વોરંટ વિના ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા સ્થિત ઈસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રવક્તા રાધારમણ દાસે પણ પુજારીની ધરપકડ વિશે X પર પોસ્ટ કરીને કહ્યું કે, “વધુ એક બ્રહ્મચારી શ્યામ દાસ પ્રભુની આજે ચિત્તાગોંગ પોલીસે ધરપકડ કરી હતી.”

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયોએ પ્રદર્શન કર્યું
બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) ના ભૂતપૂર્વ સભ્ય હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે જામીન નકારી કાઢવામાં આવ્યા હતા. તેની ધરપકડ બાદ, હિંદુ સમુદાયના સભ્યોએ રાજધાની ઢાકા અને ચિત્તાગોંગ સહિત બાંગ્લાદેશમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું.

વકીલના મૃત્યુ બાદ 46 લઘુમતીઓની ધરપકડ
ઇસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણ દાસને જામીન નકારવામાં આવ્યા બાદ મંગળવારે ચિત્તાગોંગમાં કોર્ટની બહાર પોલીસ અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં એક વકીલનું મોત થયું હતું. પોલીસે શનિવારે જણાવ્યું કે, મદદનીશ સરકારી વકીલ સૈફુલ ઈસ્લામની હત્યાના સંબંધમાં ઓછામાં ઓછા નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં 46 લોકો સામે કેસ નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગના લઘુમતી હિંદુ સમુદાયના સફાઇ કાર્યકરો હતા.