November 6, 2024

દિવાળીના મીની વેકેશનમાં સોમનાથમાં ઉમટી પડ્યું શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: સોમનાથમાં દિવાળીના મીની વેકેશનને પગલે યાત્રિકોનો ભારે ઘસારો સોમનાથ સાનિધ્યે જોવા મળી રહ્યો છે. યાત્રાળુઓ દિવાળીના પર્વમાં સોમનાથ દાદા ના સાનિધ્યે મીની વેકેશન માણી રહ્યા છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે દિવાળીના મીની વેકેશનમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. દેશ વિદેશથી યાત્રાળુઓ સોમનાથ દાદાના દર્શને ઉમટી પડ્યા છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા પણ શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યાત્રીઓના ઘસારાને પગલે સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ગેસ્ટ હાઉસ લિલાવતી ભવન, સાગર દર્શન તેમજ ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર ઉપરાંત આસપાસની હોટલ અને ગેસ્ટ હાઉસ પણ મોટે ભાગે ફૂલ જોવા મળી રહ્યા છે.

તો ટ્રસ્ટ હસ્તકના પાર્કિગમાં પણ ગાડીઓના જમાવડા જોવા મળી રહ્યા છે. હોટલ સંચાલકો જણાવી રહ્યા છે કે હાલ લાભ પાંચમ સુધી ખૂબ ટ્રાફિક રહેવાનો છે. આ સિવાય કાર્તિકી પૂર્ણિમાના મેળાને પણ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હાલ સોમનાથ સાનિધ્યે યાત્રિકોનો ભારે ઘસારો રહેશે. ત્યારે લોકોની ભરપૂર આવકને પગલે સ્થાનિક વેપારીઓની પણ દિવાળી સુધરે તેવી સ્થિતિ દેખાઈ રહી છે.

સોમનાથ સાનિધ્યે છેલ્લા 25 વર્ષથી આવતા સાવરકુંડલાના યાત્રિકે મહાદેવના દર્શન કરી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ બેરીકટિંગ સિસ્ટમ અંગે પોતાના પ્રતિભાવો વ્યકત કરતા જણાવ્યું હતું કે વ્યવસ્થા અને સફાઈ ખૂબ સારી છે. હું છેલ્લે 25 વર્ષથી આવું છું. સોમનાથ મહાદેવનું સાનિધ્ય ધર્મ અને ભક્તિનું સાનિધ્ય છે. જ્યાં ખૂબ સારી અનુભૂતિ થાય છે.

નોંધનીય છે કે, ગઈકાલથી જ અમદાવાદ થી કેશોદ વિમાન સેવાનો પણ પ્રારંભ થયો છે ત્યારે મુંબઈ સહિત અમદાવાદથી આવેલ યાત્રિકોને પણ એક વધુ સુવિધા મળશે. આ સિવાય કેશોદથી સોમનાથ સુધી યાત્રિકોને લઈ આવવા માટે ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક એસી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

મીની વેકેશનની રજા માણવા અમે લોકો સોમનાથ દાદા ના સાનિધ્યમાં આવ્યા છે સોમનાથ દાદાના સાનિધ્યમાં તહેવાર કરવાનો અનેરો લાવો પ્રાપ્ત થયો છે સોમનાથ દાદાના દર્શન કરી મન શાંત અને પ્રફુલિત થાય છે એથી અમે લોકો તહેવારોમાં ઘરે રહેવાનું પસંદ નથી કરતા સોમનાથ દાદાના સાનિધ્યે આવવાનું પસંદ કરીએ છે.