હીરણ-2 ડેમના 7 દરવાજા ખોલતા કિનારાના ગામોમાં એલર્ટ, નવા નીરની આવક
ગીર સોમનાથઃ ગીર જંગલમાં ભારે વરસાદના પગલે તમામ નદીઓ જીવંત બની છે. જ્યારે અવિરત પડેલા વરસાદથી ગીર સોમનાથના તમામ જળાશયોમાં નવા નીર આવતા જિલ્લાની પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે.
ગીર સોમનાથના હીરણ ડેમ-2ના તમામ 7 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. ગીર જંગલમાં સાંબેલાધાર વરસાદના પગલે હીરણ-2 ડેમમાં ભારે પાણીની આવક થઈ છે. પાણીની ભારે આવકના પગલે તમામ દરવાજા અઢી ફૂટ ખોલી નાંખ્યા છે. ડેમના દરવાજા ખોલતા હીરણ નદી ગાંડીતૂર બની છે. નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈ ગીરમાં આવેલો જિલ્લાનો સૌથી મહત્વનો શિંગોડા ડેમ છે. 80 ટકા ભરાઈ ચૂક્યો છે. જુલાઈ માસના રૂલ લેવલ જાળવવા ડેમ નો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. જ્યારે હિરણ નદીમાં ભારે પાણીની આવક થતાં જિલ્લાનો સૌથી મોટો હિરણ-2 ડેમ 70 ટકા ભરાયો છે. ત્રણ ફૂટ વધુ પાણીની આવક થાય તો ડેમ ના દરવાજા ખોલવામાં આવી શકે છે. ત્યારે ડેમ 70 ટકા ભરાઈ જતા ડેમના કમાન્ડ એરિયાના 14 ગામોને એલર્ટ કર્યા છે.
હિરણ 2 ડેમ વેરાવળ નગરપાલિકા, સુત્રાપાડા નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ, 42 ગામ જૂથ યોજના સહિત 7 સંસ્થાઓ પીવાનું પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત 1100 હેકટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ત્યારે ગત વર્ષે હિરણ 2 ડેમના તમામ દરવાજા ખોલવાની ફરજ પડતા તાલાળા અને વેરાવળના અનેક ગામોમાં જળ બંબાકારની સ્થતિ નિર્માણ પામી હતી. ત્યારે ચાલુ વર્ષે પણ ગીરમાં ભારે વરસાદના કારણે ગીર સોમનાથ સિંચાઈ વિભાગ અને તંત્ર એલર્ટ મોડ પર છે.