November 23, 2024

નવા કોચ માટે વિરાટની ‘ગંભીર’ સલાહ ન લેવાઈ, પંડ્યાનું મંતવ્ય નોંધાયું

Virat Kohli:  ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂક તો થઈ ચૂકી છે. થોડા દિવસોમાં તે ખેલાડીઓને કોચિંગ પણ આપવાના છે. આ તબક્કો શરૂ થાય એ પહેલા ક્રિકેટ લોબીમાં જોરશોરથી જે મુદ્દાની ચર્ચા થાય છે. એ અંગે વિગત મળી રહી છે. ગંભીરના સિલેક્શન પહેલા BCCIએ વિરાટ કોહલીની સલાહ લીધી ન હતી. રાહુલ દ્રવિડની જગ્યાએ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 સાથે સમાપ્ત થયો હતો. નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લા એક વર્ષમાં ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ રમી હતી. જેમાં ભારતે એકમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ખાટા મીઠા સંબંધો
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ખાટા-મીઠા સંબંધો રહ્યા છે. તેઓ IPL 2024 દરમિયાન ગળે મળ્યા, પરંતુ તેઓ ભૂતકાળમાં ઘણી વખત ઉગ્ર દલીલોમાં સામેલ થયા હતા. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે, નવા મુખ્ય કોચની પસંદગીમાં કોહલી મોટી ભૂમિકા ભજવી શકે છે. જો કે, જ્યારે બોર્ડે ગૌતમ ગંભીરની નિમણૂક કરી ત્યારે તેવું બન્યું નહીં. BCCIએ ગૌતમ ગંભીર સાથે 5 વર્ષનો કરાર કર્યો છે, જે દરમિયાન ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025, T20 વર્લ્ડ કપ 2026, ODI વર્લ્ડ કપ 2027 અને WTC 2025-2027 સહિત પાંચ ICC ઈવેન્ટ ટુર્નામેન્ટ રમશે. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ પછી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પરંતુ તે ચોક્કસપણે ઓછામાં ઓછા 2027 વર્લ્ડ કપ માટે ODI ફોર્મેટ રમશે.
સલાહ વગર કોચની પસંદગી
ભવિષ્યને ધ્યાનમાં રાખીને BCCIએ કોહલીની સલાહ લીધા વિના ગંભીરની નિમણૂંકનો નિર્ણય લીધો હતો. બીસીસીઆઈના એક સૂત્રે હિન્દુસ્તાન ટાઈમ્સને આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, ક્રિકેટ પ્રેમીઓ પણ ચર્ચા એ વાતની કરી રહ્યા છે કે, આઈપીએલ ટુર્નામેન્ટ વખતે એકબીજાની સામસામે આવી ગયેલા અને છેક પેનલ્ટી સુધી મામલો પહોંચ્યા બાદ બન્ને સિનિયર ક્રિકેટર્સ કેવી રીતે મામલાને થાળે પાડશે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “બંને વચ્ચે વાટાઘાટો માટે પૂરતો સમય છે. પરંતુ બીસીસીઆઈ માટે મોટા આગામી વિઝન સાથે ટીમ ઈન્ડિયાની જીત માટે ફોક્સ કરવું વધારે મહત્ત્વનું છે. કારણ કે આગામી વર્ષોમાં ઘણા યુવા ખેલાડીઓને રમવાની સંભાવના હાલ તો વ્યક્ત કરી છે.”
હાર્દિક પંડ્યા પર સુકાનીના તાજની શક્યતા
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, હાર્દિક પંડ્યા એવા કેટલાક ખેલાડીઓમાંથી એક હતો જેમના અભિપ્રાય ગંભીરને ભારતના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરતા પહેલા BCCI દ્વારા પસંદગીનો નિર્ણય માંગવામાં આવ્યો હતો. રોહિત શર્માની T20માંથી નિવૃત્તિ બાદ એવી શક્યતાઓ છે કે, હાર્દિક પંડ્યાને આ ફોર્મેટમાં ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પંડ્યાએ રોહિત શર્માની ગેરહાજરીમાં ઘણી વખત ટીમની કમાન સંભાળી છે, જ્યારે તે T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન ટીમનો વાઇસ કેપ્ટન પણ હતો. ભારતને આ ખિતાબ જીતાડવામાં હાર્દિક પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.