November 23, 2024

પરશોત્તમ રૂપાલાનો બહુમાળી ભવન સુધી રોડ શૉ, નોમિનેશન પહેલા સભા ગજવી

Lok Sabha Election 2024: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આજે 12:39નાં વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. આજે બહુમાળી ભવન સુધી રોડ શો યોજ્યો હતો સાથે સાથે રૂપાલાએ જાગનાથ મંદિરે ભગવાન શંકરના મંદિરે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. પરોશોત્તમ રૂપાલાની જંગી સભામાં 25000 જેટલા કાર્યકરો ઉમટી પડ્યાં હતા. પરશોત્તમ રૂપાલાની રેલીમાં પૂર્વ CM વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા સહિતાના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પરોશોત્તમ રૂપાલાના શક્તિ પ્રદર્શન બાદ સભા યોજાઇ હતી, જેમાં બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાએ કહ્યું કે આગામી લોકસભામાં આપણે 26 સીટો જીતીશું. 7 મી તારીખે બહોળી સંખ્યામાં મતદાન કરીએ તેવું આહ્વાન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. 2024ની આ ચૂંટણીમાં વિશ્વના લોકોનું ધ્યાન છે અને આ રાજકોટ મોદીનું રાજકોટ છે, ગુજરાત મોદીનું ગુજરાત છે. ચૂંટણીના પરિણામને લઇને બોઘરાએ કહ્યું કે તમામ સીટો પર મોટી લીડથી ઉમેદવારોને જીતાડીશુ. સભાના મંચ પર વજુભાઇ વાળા, વિજયભાઈ રૂપાણી, જીતુ સોમાણી, જયેશ રાદડીયા, મોહન કુંડારિયા,જયરાજસિંહ જાડેજા,રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા,આર.સી.ફળદુ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. વિજય રૂપાણીએ કહ્યું કે, આ વખતની ચૂંટણી દેશની વિરાસત ને સન્માનિત કરવાની છે. એક તરફ ઈમાનદાર લોકો છે બીજી તરફ ભ્રષ્ટાચાર લોકો છે. વધુમાં કહ્યું કે અડધા ભ્રષ્ટાચારી જેલમાં છે, ચૂંટણી પછી બાકીના પણ જેલમાં જવાના છે.

પરશોત્તમ રૂપાલાએ નોમિનેશન પહેલાં સભા ગજવી
રાજકોટ ખાતે પરશોત્તમ રૂપાલાએ સભાની શરૂઆત રામ રામ સાથે કરી હતી અને નેતાઓની સાથે સાથે ઉદ્યોગપતિઓ અને શાળા સંચાલકો સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પરશોત્તમ રૂપાલાએ સભાના સંબોધનમાં ચૂંટણી પાર્ટીના ઢંઢેરાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, મોદી સાહેબે 70 વર્ષથી વધુ વયના વ્યક્તિને આયુષ્માન કાર્ડ આપવા માટેના લાભનું વચન આપ્યું છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનો સાથ માંગ્યો હતો. સંબોધન કરતા રૂપાલાએ વધુમાં કહ્યું કે, ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે. રેલીમાં અને સભામાં આવનાર કાર્યકરો, નાગરિકોને કહ્યું કે તમે આવ્યા છો તે મત આપશે જ, પરંતુ તમે આખા મલકને કહેજો કે ભાજપને જ મત આપે. વધુમાં સંકલ્પ પત્રમાં રજૂ થયેલા વચનો મુજબ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષથી વધુના લોકોને આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરી તેના માટે મત આપવો જોઈએ.

પરશોત્તમ રૂપાલાએ સભામાં લોકોને 100 ટકા મતદાન કરવાની અપીલ કરી અને કહ્યું કે, દેશમાં ભાજપ સરકાર બનશે અને તેના પ્રથમ 100 દિવસમા શું કરવાનું તેનુ પ્લાનિંગ સચિવાલય કરી રહ્યું છે. વધુમાં કહ્યું કે પહેલી વાર આ પ્રકારનું આયોજન પીએમ મોદી દ્વારા થઇ રહ્યું છે અને જ્યારે પીએમ મોદી આગામી દીવસોમાં આપડી સરકારને કઇ દિશામાં લઇ જવી તે માટેનું પ્લાનિંગ કરી રહ્યાં હોય ત્યારે તેમના ટેકામાં અને ખાસ કરીને પીએમ મોદીનો એક નવો વિચાર કે જે કોઇ યોજના બને તે 100 અમલી જવી જોઇએ. વધુમાં કહ્યું કે આપણે પ્રચંડ બહુમતિની સરકાર આપણે આપીએ જેથી કરીને આ દેશના શાસનને મક્કમતાથી વિશ્વના મંચ પર રાખવા માટેનો પ્રયાસ કરવાની તાકાત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપણા મતો દ્વારા મળતી હોય છે.