અરુણાચલના CM-DyCM સહિત ભાજપના 10 ઉમેદવારોની મતદાન પહેલાં જીત! જાણો કેવી રીતે
ઈટાનગરઃ લોકસભા ચૂંટણીની સાથે જ દેશના ચાર રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ વાગી રહ્યું છે. અરુણાચલ પ્રદેશની 60 વિધાનસભા સીટ પર પણ 19 એપ્રિલે મતદાન થવાનું છે. આ દરમિયાન અહીંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મતદાન પહેલાં જ ભાજપે અરુણાચલની 10 સીટો જીતી લીધી છે. જેમાં મુખ્યમંત્રી પેમા ખાંડુ, નાયબ મુખ્યમંત્રી ચાઉના મેનનો સમાવેશ થાય છે.
પેમા ખાંડુએ મુક્તો વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોવાથી ખાંડુ બિનહરીફ ચૂંટાયા હતા. તેવી જ રીતે બાકીની નવ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે.
આ પણ વાંચોઃ કચ્ચાથીવૂ દ્વીપ મુદ્દે PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું – તેમના પર ભરોસો ન થાય
મુખ્ય ચૂંટણી અધિકારી પવન કુમાર સેને જણાવ્યું હતું કે, નામાંકન પરત ખેંચવાની મુદત પૂરી થયા બાદ ખાંડુ અને અન્ય નવ લોકો બિનહરીફ ચૂંટાયા હતા. છ વિધાનસભા મતવિસ્તારોમાં એક ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યું છે, જ્યારે ચાર અન્ય વિપક્ષી ઉમેદવારોએ તેમના પત્રો પાછા ખેંચી લીધા છે.
ભારત-ચીન સરહદ નજીક મુકતો વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે ખાંડુનો આ ચોથો કાર્યકાળ હશે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના પિતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુના મૃત્યુ બાદ 2010ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ આ બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા.
આ પણ વાંચોઃ કેવી રીતે ઈંદિરા ગાંધીએ શ્રીલંકાને આપી દીધી ભારતની જમીન? RTIમાં ખુલાસો
મુખ્યમંત્રીએ 2014 અને 2019ની વિધાનસભાની ચૂંટણીઓ પણ મોટા માર્જિનથી જીતી હતી. નાયબ મુખ્યમંત્રી બીજી વખત ચૌખામ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. એક અનુભવી રાજકારણી મેન 1995થી લેકાંગ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
બિનહરીફ ચૂંટાયેલા અન્ય ઉમેદવારોમાં તાલી વિધાનસભા મતવિસ્તારમાંથી જીક્કે ટાકો, તાલિહાથી ન્યાતો ડુકોમ, રોઈંગથી મુચ્છુ મીઠી, હ્યુલિયાંગથી દસાંગલુ પુલ, બોમડિલાથી ડોંગરુ સિઓંગજુ અને સાગાલીથી રતુ ટેચી અને ઝીરોથી હાપોલીથી હેગે અપ્પા પ્રથમ વખત ચૂંટાયા હતા. રાજ્યમાં 19 એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 2 જૂને પરિણામ જાહેર થશે.