ફી મામલે DEOને ફરિયાદ કરતા લોટસ સ્કૂલની શાન ઠેકાણે આવી
અમદાવાદઃ શહેરમાં આવેલી લોટસ સ્કૂલમાં વાલીઓના હોબાળા બાદ ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી હતી. જેને લઈને શાળા સફાળી જાગી ગઈ હતી અને ફી પરત કરવા બાંહેધરી આપી હતી.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી લોટસ પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી પેટે એક હજાર રૂપિયા દંડ અને આરટીઇના વિદ્યાર્થીઓને ઘમકી આપતા હોવાને લઈને વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.
વાલીઓએ આ સમગ્ર મામલે ડીઇઓમાં ફરયાદ કરતા સ્કૂલને વિદ્યાર્થી દીઠ હજાર રૂપિયાનો દંડ કેમ કર્યો હતો તે અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. આ ફરિયાદને લઇને ડીઇઓની ટીમ સ્કૂલમાં તપાસ માટે ગઈ હતી. જેમાં સ્કૂલ દ્વારા સાત વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી લીધી હોવાની કબૂલાત કરી હતી અને ડીઇઓ દ્વારા નોટિસ આપવામાં આવતા સ્કૂલે વધારાની લીધેલી ફી પાછી આપવા માટે બાંહેધરી આપી હતી.
અમદાવાદની લોટસ સ્કૂલે ફીમા પેનલ્ટી વસૂલી હતી. સ્કૂલે 7 વાલીઓ પાસે પેનલ્ટી પેટે 1000 રૂપિયા લીધા હતા. આમ કુલ વધારાના 7 હજાર રૂપિયા લીધા હતા. ત્યારે આ મામલે વાલીઓ વિફર્યા હતા.