September 29, 2024

નવરાત્રિ માટે સુરત પોલીસનું અનોખું આયોજન, કોઈ રોમિયોગીરી કરશે તો ખેર નહીં

અમિત રુપાપરા, સુરતઃ નવરાત્રિના નવ દિવસ ગુજરાતીઓની સાથે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યા પર ગરબાના આયોજન થાય છે. નવ દિવસમાં દુર્ગાના 9 સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ ખાસ કરીને મહિલા સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. મહિલાઓ માટે ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય કહેવાય છે. ત્યારે નવરાત્રીમાં પણ ગરબા રમવા જતી કે ગરબે રમીને પરત આવતી મહિલા કે યુવતીઓ સાથે છેડતી કે અન્ય ઘટના ન બને તે માટે સુરત પોલીસ કટિબદ્ધ છે. સુરત પોલીસની શી ટિમ ગરબાના આયોજનો દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસમાં લોકોની સાથે ગરબા રમશે અને મહિલા અને યુવતીઓની છેડતી કોઈ અસામાજિક તત્વો કે રોમિયો દ્વારા ન કરવામાં આવે તેની તકેદારી રાખશે.

દેશનો સૌથી મોટો નવરાત્રિનો તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ નવે નવ દિવસ મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર દેશ અને હવે વિશ્વના અલગ અલગ દેશોમાં પણ નવરાત્રિ દરમિયાન રાસ ગરબાનું આયોજન થાય છે. જેમાં સૌ લોકો ગરબે માતાજીની આરાધના કરે છે ત્યારે સુરક્ષિત ગુજરાતમાં ગુજરાતીઓ વિશેષ પ્રકારે ગરબા ના આયોજનો કરે છે. આ ઉપરાંત ગરબા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ખાસ મહિલા અને યુવતીઓની સુરક્ષા જળવાઈ તે માટે ગુજરાત સરકાર અને ગુજરાતની પોલીસ લોકોની સુરક્ષા માટે કટિબદ્ધ રહે છે.

સુરતની વાત કરવામાં આવે તો ગરબાના આયોજન દરમિયાન ગરબા રમતા સમયે કે પછી ગરબા રમીને ઘરે આવતા સમયે કોઈ મહિલા કે યુવતી છેડતી કે પછી અન્ય ઘટનાઓનો ભોગ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા રમવા જતી યુવતી કે મહિલાઓની સુરક્ષાની ચિંતા હવે પરિવારના સભ્યોએ નહીં કરવી પડે કારણ કે હવે તેમની સુરક્ષાની જવાબદારી સુરત શહેર પોલીસની શી ટીમ દ્વારા પોતાના શિરે લેવામાં આવી છે.

સુરત શહેર પોલીસ દ્વારા ખાસ મહિલાઓની સુરક્ષા માટે નવરાત્રિ દરમિયાન શી ટીમ કાર્યરત કરવામાં આવી છે. માત્ર નવરાત્રીમાં પરંતુ આખું વર્ષ દરમિયાન મહિલા અને યુવતીઓની સુરક્ષાને લઈને કામગીરી કરે છે. તો અસામાજિક તત્વો સજાગ થઈ જાય છે, પરંતુ કેટલીક વખત ગરબાના આયોજનો લાભ ઉઠાવી અને ભીડનો લાગ ઉઠાવી કેટલાક અસામાજિક તત્વો મહિલા કે યુવતીઓની છેડતી કરવાનો કે તેમની પજવણી કરવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આવા અસામાજિક તત્વો કે જે ભીડનો લાભ ઉઠાવી તેમાં છુપાયેલા હોય છે તેવા ઇસમો સામે કાર્યવાહી કરવા માટે યુનિફોર્મ વગર જ કામગીરી કરવામાં આવે છે.

શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર થતા નવરાત્રિના આયોજનોમાં ચણિયાચોળી કે પછી નવરાત્રિના ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને મહિલા પોલીસની શી ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે. આ ઉપરાંત ગરબે રમતા રમતા લોકોની સુરક્ષા પર ધ્યાન આપશે અને આ દરમિયાન જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વો મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરશે તો આ શી ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા મહિલા પોલીસની શી ટીમને આદેશ આપવામાં આવ્યો છે કે, ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના આયોજનોમાં લોકો સાથે હળી મળીને ગરબા રમતા રમતા લોકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત સુરત શહેર પોલીસ દ્વારા પણ ગરબા રમવા જતી મહિલા કે યુવતીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા દરમિયાન બાદ મોડી રાત્રે પરત જવામાં કોઈ મહિલાને સાધન ન મળે તો મહિલા 100 નંબર ડાયલ કરીને ઘર સુધી પહોંચવામાં પોલીસની મદદ માગી શકે છે અને કોલ મળ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા પોતાના વાહનમાં આ મહિલા કે યુવતીને સુરક્ષિત પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવશે.

બીજી તરફ સુરત પોલીસ દ્વારા નવરાત્રિના આયોજનમાં મહિલાઓની સુરક્ષા પર ખાસ મૂકવામાં આવ્યો છે. ગરબાના આયોજન સ્થળની આસપાસ જો કોઈ અવાવરું જગ્યા હોય તો ત્યાં લાઇટિંગની વ્યવસ્થા કરવા આયોજકોને સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ અવાવરૂ જગ્યા હોય તો ત્યાં પાલિકાની ટીમને સાથે રાખીને લાઇટિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે.