September 27, 2024

સુરેન્દ્રનગરમાં બેંકના અધિકારીની નફ્ફટાઈ, વારંવાર ખેડૂતોને ધક્કા ખવડાવે છે

વિજય ભટ્ટઃ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા અવારનવાર હેરાન પરેશાન કરી ધક્કા ખવડાવવામાં આવતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. ત્યારે વઢવાણ તાલુકાના કટુડા ગામે આવેલી કેનેરા બેંકના મેનેજર અને સ્ટાફ દ્વારા ખેડૂતોને ખોટા બહાના બતાવી ધક્કા ખવડાવતા મોટી સંખ્યામાં ખેડૂતો બેન્ક ખાતે એકત્ર થયા હતા અને હોબાળો કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

વઢવાણ તાલુકાના કટુડા ગામે આવેલી રાષ્ટ્રિયકૃત કેનેરા બેંકમાં કટુડા સહિત આસપાસના 7થી વધુ ગામોના ખેડૂતો અને ગ્રામજનો ખાતા ધરાવે છે અને અવારનવાર કામગીરી માટે બેંકમાં આવતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી બેંકમાં આવેલા નવા હિન્દી ભાષી મેનેજર અને સ્ટાફથી ખેડૂતો સહિત ખાતેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. જેમાં પાસબુકમાં એન્ટ્રીનું પ્રિન્ટર મશીન બંધ હોવાથી એન્ટ્રી થતી નથી. તેમજ ખેડૂતોને પાક ધિરાણ લોન રીન્યૂ કરવાની હોય તો રીન્યૂ કરી આપવાને બદલે બેંકના સતાધીશો ખોટા બહાના બતાવી તેને રિજેક્ટ કરી નાંખે છે. જેના કારણે ખેડૂતોને પાક ધિરાણ લોન માટે નવેસરથી ફરી બધી પ્રોસેસ કરવી પડે છે. જેમાં લાંબો સમય લાગતા ખેડૂતોને આર્થિક મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

બેંકના કર્મચારીઓ દ્વારા પાસબુકમાં સમયસર એન્ટ્રી નહીં થવાથી ગામના 25થી વધુ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ પણ કેન્સલ થતા રોષ જોવા મળ્યો હતો. આ બેંકમાં લટુડા, કટુડા, ભદ્રેશી, પ્રાણગઢ, ચમારજ સહિત 7 ગામોના ખેડૂતો અને ગ્રામજનો ખાતા ધરાવે છે. પરંતુ બેંકના સ્ટાફની બેદરકારીને કારણે ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. બેંકમાં અંદાજે 500થી વધુ ખેડૂતોના ખાતા હતા. પરંતુ બેંકના અધિકારી અને કર્મચારીઓની તાનાશાહીના કારણે અંદાજે 300થી વધુ ખાતેદારોએ ખાતા બંધ કરાવી દેતા હાલ માત્ર 200 જેટલા જ ખાતા રહ્યા છે. ત્યારે કેનેરા બેંકના અધિકારી અને સ્ટાફની તત્કાલિક બદલી કરવાની માગ સાથે ખેડૂતોએ બેંકમાં હોબાળો કર્યો હતો.