September 27, 2024

માનહાનિ કેસમાં સંજય રાઉત દોષી જાહેર, 15 દિવસની જેલ અને 25 હજારનો દંડ

Maharashtra: શિવસેના યુબીટીના નેતા સંજય રાઉત માનહાનિના કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા છે. સંજય રાઉતને 15 દિવસની જેલ અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સંજય રાઉત વિરુદ્ધ ભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટ સોમૈયાએ કેસ દાખલ કર્યો હતો. સંજય રાઉતે કિરીટ સોમૈયાની પત્નીની એનજીઓ પર 100 કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.

વર્ષ 2022માં સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં શૌચાલયના નિર્માણમાં 100 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટ સોમૈયાની NGO સામેલ હતી. કિરીટ સોમૈયાએ સંજય રાઉતના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કૌભાંડના પુરાવાની માંગ કરી હતી. જ્યારે સંજય રાઉતે આના પુરાવા ન આપ્યા તો કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટ સોમૈયાએ સંજય રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

મેધા સોમૈયાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે સંજય રાઉતે કથિત કૌભાંડને લઈને અનેક પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા અને આ બધા આરોપો મીડિયામાં પ્રકાશિત થયા હતા અને લોકોમાં વ્યાપકપણે પ્રસારિત થયા હતા. હવે મુંબઈના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે રાઉતને માનહાનિના કેસમાં દોષી જાહેર કર્યા છે અને તેમને સજા ફટકારી છે.